રાજ્યના 259 તાલુકામાં છેલ્લા 24 કલાકમા વરસાદ નોંધાતા સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ કચ્છના અંજારમા 7 ઈંચ, ભાવનગરના વલ્ભીપુરમા 6 ઈંચ, જામનગર, બોરસદ, ઉના અને કોટડાસાંગાણીમા 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
કચ્છના ગાંધીધામમાં સાડા ચાર, ભુજ મુન્દ્રામાં પોણા ચાર, લખપતમાં 3, માંડવીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે.
ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર, પાલિતાણા અને ઉમરાળા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ સહિતના તમામ વિસ્તારોમા વરસાદના પાણી ફરી વળ્યા હતા.
દીવમા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાય જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતું અને લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. રાતના સમયે પણ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ સહિતના રાજ્યના અન્ય વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.