નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજકોષીય સમજદારી, માળખાગત રોકાણ, બેંકિંગ સુધારાઓ, સુધારેલ વિતરણ વ્યવસ્થા અને સતત સુધારાઓના સંયોજનથી છેલ્લા દાયકામાં ભારતની આર્થિક શક્તિ અને સ્થિતિસ્થાપકતા મજબૂત થઈ છે. નવી દિલ્હીમાં 5મા કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધતા,નાણામંત્રીએ કહ્યું કે સરકારે GST, નાદારી કોડ અને ચાર શ્રમ કોડ દ્વારા રાષ્ટ્રીય માળખાને મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું કે ભારતે તેના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખીને છેલ્લા ચાર વર્ષના પડકારોનો સામનો કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કનો વિસ્તાર લગભગ 61 ટકા થયો છે અને 2014 થી કાર્યરત એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે પીએમ મુદ્રા યોજના હેઠળ 52 કરોડથી વધુ ગેરેન્ટી વગર લોન મંજૂર કરવામાં આવી છે.