બાળકોને મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનથી દૂર રહીને બૌદ્ધિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવાના પ્રયાસો આરંભાયા છે. જેના ભાગરૂપે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના બાલભવન વિભાગ દ્વારા ‘અંડર-12 ચિલ્ડ્રન્સ ચેસ ફેસ્ટિવલ’ યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં ગુજરાતના 22 જિલ્લાઓમાંથી 298 જેટલાં બાળખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંડર-12 ચિલ્ડ્રન્સ ચેસ ફેસ્ટિવલમાં બાળકોને અંડર-8, અંડર-9, અંડર-10, અંડર-11 અને અંડર-12 એમ પાંચ વયજૂથમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ કુલ 7 રાઉન્ડની ચેસ મેચોમાં ભાગ લીધો હતો. સ્પર્ધાની અંડર-8 થી અંડર-12 સુધીની પાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચનાં ત્રણ ખેલાડીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ટોચના 100 ખેલાડીઓને ચેસ બોર્ડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.