ઓગસ્ટ 29, 2026 10:00 એ એમ (AM)

printer

ભારતે પૂરગ્રસ્ત નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય સાથે ત્રીજુ વિમાન મોકલ્યુ – 320 ભારતીય હજુ પણ સંપર્ક વિહોણા

નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 579 થઈ ગયો છે, જ્યારે એક હજાર 924 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 579 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 101 ઘાયલ લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના 933 લોકો ગુમ થયાના અહેવાલ છે, જ્યારે 517 વિદેશી નાગરિકો હજુ પણ ગુમ છે.

ભારતમાંથી માનવતાવાદી સહાય લઈને ત્રીજી ફ્લાઇટ ગઈકાલે સાંજે કાઠમંડુ માટે રવાના થઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બુધવારે અચાનક પૂરની દુર્ઘટના બાદ 320 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેથી ગુમ થયા હોવાના અહેવાલ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 63 ભારતીય નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી કાઠમંડુ પહોંચેલા તમિલનાડુના 21 ભારતીય નાગરિકો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા.

શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે, સરકારે વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે, જે 24 કલાક કાર્યરત છે. તેમણે કહ્યું કે, કાઠમંડુ અને બેઇજિંગ બંનેમાં ભારતીય દૂતાવાસોએ 24 x 7 હેલ્પલાઇન પણ સ્થાપી છે.