નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ગુમ થયેલા ગુજરાતના વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓની શોધવા માટે રાજ્ય સરકારે સઘન કામગીરી હાથ ધરી છે. પૂરમાં સંપર્કવિહોણા થયેલા કુલ 30 ગુજરાતીઓમાંથી 29 લોકોના નજીકના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સેમ્પલના પ્રોફાઇલિંગની મદદથી નેપાળમાં મળી આવેલા માનવ અવશેષોની સત્તાવાર ઓળખ કરવામાં આવશે.
નેપાળમાં 26 ઓગસ્ટના રોજ સર્જાઈ હતી હોનારત
નેપાળના ભોટ કોશી નદી વિસ્તારમાં ગત 26 ઓગસ્ટ 2026 ના રોજ અચાનક ભયાનક પૂર આવ્યું હતું. આ હોનારતમાં સેંકડો લોકોના મોત થયા હતા અને વ્યાપક નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ અને રાજકોટના આશરે 30 જેટલા લોકો સંપર્કવિહોણા થયા છે. આ પૈકીના કેટલાક લોકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા.
6 ફોરેન્સિક લેબોરેટરીમાં નિઃશુલ્ક DNA પ્રોફાઇલિંગ
ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી 6 નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીમાં ગુમ થયેલા લોકોના નજીકના સંબંધીઓના DNA પ્રોફાઇલિંગની સેવા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. હાલ 29 પરિવારોના સેમ્પલ લેવાયા છે, જ્યારે બાકી રહેલા 1 કેસમાં પ્રક્રિયા ચાલી રહી છે.
NRGF અને NFSU દ્વારા આંતરરાષ્ટ્રીય સંકલન
ગુમ થયેલા લોકોની ઓળખ માટે ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF), સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) અને જિલ્લા વહીવટીતંત્ર સતત સંકલન કરી રહ્યા છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગર અને વિદેશ મંત્રાલય દ્વારા નેપાળ સરકાર સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો છે. અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકામાં રહેતા પરિવારોના સેમ્પલ પણ સ્થાનિક સત્તાવાળાઓ મારફતે એકત્રિત કરી લેવાયા છે.
તૈયાર થયેલા DNA પ્રોફાઇલિંગના અહેવાલો સીધા નેપાળ સરકારને મોકલવામાં આવી રહ્યા છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ભવિષ્યમાં માનવ અવશેષોને મેચ કરીને મૃતકોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે, જેથી ગુમ થયેલા સ્વજનો અંગે પરિવારોને સત્તાવાર પુષ્ટિ મળી શકશે.