મધ્ય નેપાળમાં ગઈકાલે આવેલા વિનાશક પૂરમાં લગભગ 160 લોકો માર્યા ગયા છે અને 133 ભારતીય નાગરિકો સહિત 750 થી વધુ લોકો ગુમ થયા છે. તિબેટથી આવેલા પૂરના પાણીમાં અનેક નગરો અને ગામડાઓ ગરકાવ થઈ ગયા, મહત્વપૂર્ણ પુલો ધોવાઈ ગયા અને અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ઠપ થઈ ગયા.
નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે સંસદમાં જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સવારે સાડા આઠ વાગ્યે તિબેટ પ્રદેશમાં આવેલા ભૂકંપના ત્રણ મિનિટ બાદ ભારે પૂર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોના વિવિધ ભાગોમાંથી લગભગ સો લોકોને બચાવી લેવામાં આવ્યા છે.આમાંથી ત્રીસ લોકો કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટી શિક્ષણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને તેમને શક્ય તેટલી માનવતાવાદી સહાયની ખાતરી આપી હતી. ભારતે 10 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી, તેમજ આવશ્યક દવાઓ, કામચલાઉ આશ્રયસ્થાનો, ધાબળા, સ્વચ્છતા કીટ અને સૌર લેમ્પ નેપાળ મોકલ્યા છે.
કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સહાય અને માહિતી માટે કટોકટી નંબરો જારી કર્યા છે. આ નંબરો છે: +977 985 131 6807 અને +977 970 910 7500. નેપાળ ટુરિઝમ બોર્ડે પણ ટોલ-ફ્રી ઇમરજન્સી નંબર 1234, હોટલાઇન 1144 અને ટૂરિસ્ટ પોલીસ નંબર 9851289445નો સમાવેશ થાય છે.
બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે પણ હેલ્પલાઇન નંબર જારી કર્યો – 0086 185 1428 4905, જેનો સંપર્ક વોટ્સએપ દ્વારા પણ કરી શકાય છે. કૈલાશ માનસરોવર યાત્રાના ઓછામાં ઓછા 50 ભારતીય યાત્રાળુઓ ગુમ થયા છે. ઉત્તરપ્રદેશ અને કેરળ સહિત અનેક ભારતીય રાજ્યોએ પણ હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. વિશ્વ બેંકે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, રાહત અને પુનર્નિર્માણ માટે નેપાળને 25 અબજ નેપાળી રૂપિયાની કટોકટી નાણાકીય સહાય આપવાની ઓફર કરી છે.