ઓગસ્ટ 30, 2026 10:54 એ એમ (AM)

printer

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવાયા – 275 હજુ પણ ગુમ

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 50 અન્ય ભારતીયોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 275 ભારતીય નાગરિકો ગુમ છે, અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે.

છેલ્લા બે દિવસમાં 598 ભારતીય નાગરિકો ચીનથી નેપાળ પહોંચ્યા છે. ચીનમાં લગભગ 900 ભારતીયો સુરક્ષિત છે અને ભારતીય દૂતાવાસ તેમના સંપર્કમાં છે. ભારત સરકાર નેપાળ અને ચીનના અધિકારીઓ સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલી છે.

વિદેશ મંત્રાલય તથા કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોમાં 24 કલાક હેલ્પલાઇન સેવા કાર્યરત છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારતીય હવાઈદળનું C-130J હર્ક્યુલસ વિમાન ગઈકાલે 11 ટન રાહત પુરવઠો લઈને કાઠમંડુ પહોંચ્યું. વિમાનમાં 13 સભ્યોની ભારતીય સેનાની ખાસ બચાવ ટીમ અને આવશ્યક સાધનો પણ મોકલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણમાં મદદ કરવા માટે છ ફોરેન્સિક ટીમના 19 સભ્યોને નેપાળ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 69 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે. જેમાં દવાઓ, જનરેટર, ફૂડ પેકેટ, પાણી શુદ્ધિકરણ ગોળીઓ અને તકનીકી ઉપકરણોનો સમાવેશ થાય છે. ભારતે 230 ફૂટ લાંબા સ્ટીલ પુલના નિર્માણ માટે 16 ટ્રક સાધનો નેપાળ મોકલ્યા છે. વધુ સાત બેઇલી પુલના નિર્માણ માટે જરૂરી સામગ્રી અને તકનીકી ટીમો ટૂંક સમયમાં નેપાળ મોકલવામાં આવશે.