નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં આજે મૃત્યુઆંક વધીને 734 થયો છે. મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. આશરે 2,500 લોકો ગુમ છે. નેપાળ પોલીસે અહેવાલ આપ્યો છે કે આઠ જિલ્લાઓમાંથી 675 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં સૌથી વધુ મૃતદેહો ચિતાવન, નવલપરાસી પૂર્વ અને નવલપરાસી પશ્ચિમમાં મળી આવ્યા છે.
બચાવ ટીમોએ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 8 હજાર 186 લોકોને બચાવ્યા છે, જેમાં 227 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
નેપાળ સરકારે ભોટે કોશી નદી માટે નવી પૂર ચેતવણી જહેર કરી છે અને નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. રાસુવા જિલ્લા વહીવટીતંત્રે રાસુવા, નુવાકોટ અને ધાડિંગ જિલ્લામાં ભોટે કોશી નદી કિનારે રહેતા લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળમાં પૂરમાં અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે..વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 275 ભારતીય નાગરિકો ગુમ છે, અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે.
ભારત પૂરગ્રસ્ત નેપાળમાં રાહત અને બચાવ કામગીરીને સતત સમર્થન આપી રહ્યું છે. 11 ટન રાહત સામગ્રી લઈને ચોથી ફ્લાઇટ કાઠમંડુ પહોંચી છે અને તેને નેપાળી સરકારને સોંપવામાં આવી છે.
અગાઉ, ભારતે ત્રણ ફ્લાઇટમાં 57 ટનથી વધુ કટોકટી રાહત સામગ્રી મોકલી હતી.