નેપાળમાં તિબેટ સરહદ નજીક આવેલા રાસુવા ક્ષેત્રમાં ભોટે કોશી નદીમાં અચાનક ભયાનક પૂર આવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પૂરમાં 105 ભારતીય નાગરિકો સહિત કુલ 384 પ્રવાસીઓ ગુમ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 7 લોકોના મોત નીપજ્યા છે. નેપાળ સરકાર અને બચાવ એજન્સીઓ દ્વારા લાપતા પ્રવાસીઓની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
291 વિદેશી અને 93 નેપાળી નાગરિકો ગુમ
નેપાળ ટુરિઝમ બોર્ડ (NTB) દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, ગુમ થયેલા 384 પ્રવાસીઓમાં 291 વિદેશી અને 93 સ્થાનિક નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. વિદેશી નાગરિકોમાં સૌથી વધુ 105 ભારતીયો છે. આ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડના પ્રવાસીઓ પણ સામેલ છે. NTB એ સ્પષ્ટ કર્યું છે કે આ આંકડા પ્રાથમિક છે અને હાલ ટ્રાવેલ એજન્સીઓ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે તેનું ક્રોસ-ચેકિંગ ચાલી રહ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ અચાનક આવેલા પૂરમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
પ્રવાસીઓની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર
ભોટે કોશી નદીના પૂરને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની સલામતીને લઈને ભારે ચિંતા ઊભી થઈ છે. પ્રવાસીઓ અને તેમના પરિવારોની મદદ માટે નેપાળ ટુરિઝમ બોર્ડે કટોકટી સંપર્ક નંબરો જારી કર્યા છે. માહિતી મેળવવા કે સહાય માટે ટોલ-ફ્રી નંબર 1234, હોટલાઇન 1144 અને ટુરિસ્ટ પોલીસ નંબર 9851289445 નો સંપર્ક કરી શકાશે. બોર્ડે તમામ પ્રવાસીઓને શાંત રહેવા અને તંત્ર દ્વારા અપાતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
વડાપ્રધાન દ્વારા બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ગોરખા અને ચિતવાન સહિતના પ્રભાવિત વિસ્તારોના સંસદસભ્યો સાથે તાત્કાલિક પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે બચાવ અને રાહત કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે ‘રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન પરિષદ’ની ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી હતી.