સપ્ટેમ્બર 4, 2026 4:02 પી એમ(PM)

printer

NCPCR : 3800 થી વધુ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયા, 575 FIR દાખલ

બાળ મજૂરી અને બાળ શોષણ સામે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા દેશવ્યાપી સ્તરે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા એક વિશેષ બચાવ અને પુનર્વસન અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાંથી 3800 થી વધુ બાળકોને બાળમજૂરીની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યા છે. આ ગંભીર ગુનાઓ અંતર્ગત 575 થી વધુ FIR પણ નોંધવામાં આવી છે.

12 જૂનથી 31 ઓગસ્ટ સુધી ચાલ્યું વિશેષ અભિયાન 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બાળમજૂરી વિરુદ્ધનું આ મેગા બચાવ અભિયાન 12 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને 31 ઓગસ્ટ સુધી સતત ચાલુ રહ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન NCPCR એ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો, જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રમ વિભાગો અને પોલીસ અધિકારીઓ સાથે સઘન સંકલન સાધ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ મજૂરી, માનવ તસ્કરી અને શોષણનો ભોગ બનેલા બાળકોની ઓળખ કરી તેમનો બચાવ અને યોગ્ય પુનર્વસન કરવાનો હતો.

જિલ્લા સ્તરે સંકલન અને સમીક્ષા બેઠકો યોજાઈ 

અભિયાનના સુચારુ અમલીકરણ અને જમીની સ્તરની સમસ્યાઓના નિરાકરણ માટે NCPCR દ્વારા જિલ્લા વહીવટીતંત્રો સાથે સતત બેઠકો યોજવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકોમાં બચાવ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવા, કામગીરીમાં આવતી અડચણોને તાત્કાલિક દૂર કરવા, સમયસર કાર્યવાહીના રિપોર્ટ રજૂ કરવા અને સંબંધિત વિવિધ એજન્સીઓ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ અને શિક્ષણ પર ભાર 

માત્ર બચાવ કામગીરી જ નહીં, પરંતુ પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે NCPCR એ સોશિયલ મીડિયા અને અન્ય સંચાર માધ્યમો થકી વ્યાપક જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું હતું. આ પ્રયાસોનો હેતુ લોકોને બાળ મજૂરીની જાણ કરવા પ્રોત્સાહિત કરવાનો અને બાળકોના પુનર્વસનનું મહત્વ સમજાવવાનો હતો. ખાસ કરીને બચાવેલા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.