સેવા, સ્વચ્છતા અને સુપોષણના સંકલ્પ સાથે આજે નવસારી જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાયા હતા. નવસારીના બી.આર. ફાર્મ ખાતે કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યોગ્ય પોષણ અને સામૂહિક સહયોગ દ્વારા કુપોષણ તથા ટીબી સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાના આ સેવાકીય પ્રયાસને સરાહનીય ગણાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નવસારી શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનને લીલી ઝંડી આપવામાં આવી હતી. શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવાના જનભાગીદારીના સંકલ્પને વેગ આપવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લાના આશરે 400 ગામડાંઓમાં સ્વચ્છતા અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે આ સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન એક સપ્તાહ સુધી ચાલશે.
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા માટે આગ્રહ કરતા રહ્યા છે અને તેથી નવસારી જિલ્લાના આશરે 400 ગામો ઉપરાંત નવસારી મહાનગર, ગણદેવી અને બિલિમોરા નગરપાલિકા વિસ્તારોમાં માઇક્રો સફાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ માટે દરેક ગામમાં એક જેસીબી, એક લોડર, એક ટ્રક અને આશરે 10 સફાઈ કર્મીઓની ટીમ રહેશે. આશરે 6થી 7 દિવસમાં 400 ગામોમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. દરરોજ આશરે 50 ગામોને આવરી લેવાની કામગીરી કરવામાં આવશે, જ્યારે નાના ગામોમાં એક દિવસમાં બે ગામોની સફાઈ કરવામાં આવશે. આ રીતે આશરે 400 ગામોની સફાઈ કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.