ભક્તિ અને શક્તિના નવરાત્રિ મહાપર્વનો આજથી પ્રારંભ થયો છે. નવરાત્રિના પહેલા નોરતે આજે માઁ દુર્ગાનાં પ્રથમ સ્વરૂપ માઁ શૈલપુત્રીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મા આદ્યશક્તિના પાવન પર્વ નિમિત્તે વિવિધ શક્તિપીઠ, મંદિરો સહિતના ધાર્મિક સ્થળો પર સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના લોકોને નવરાત્રિના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જગતજનની માઁ અંબા સૌ પર અમીકૃપા વરસાવે અને સૌનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સદગુણોથી સભર થાય તેવી પ્રાર્થના કરી. સાથે જ શ્રી પટેલે માઁ શૈલપુત્રીને અડગ નિશ્ચય, અખૂટ શ્રદ્ધા અને સ્થિરતાનું પ્રતીક ગણાવતાં માઁ ભગવતી આપણા સૌના સંકલ્પોને સિદ્ધ કરવા અને કર્તવ્યપથ પર અગ્રેસર રહેવા માટે હિમાલય જેવું દ્રઢ મનોબળ અને અડગ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી.