સપ્ટેમ્બર 30, 2026 10:28 એ એમ (AM)

printer

નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતની કૃષિની સિધ્ધિઓ વર્ણવી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય ‘રાષ્ટ્રીય કૃષિ પરિષદ – રવિ અભિયાન 2026માં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થયા હતા. રાજ્યની કૃષિ સિદ્ધિઓ, રવિ સિઝનની સજ્જતા અને ખેડૂતહિતના મહત્વપૂર્ણ સૂચનો રાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યા હતા.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરિષદમાં દેશના વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ તથા ICARના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પરિષદમાં સંબોધન કરતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત રાજ્યને ખાતરનો પૂરતો અને સુચારુ પુરવઠો પૂરો પાડવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે રવિ સિઝન માટે હાલમાં પૂરતા પ્રમાણમાં બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોને પ્રાથમિકતા આપી વર્ષ 2026-27 માટે કૃષિ બજેટ વધારીને 17 હજાર કરોડ રૂપિયાથી વધુ કર્યું છે.