ઓગસ્ટ 26, 2026 5:30 પી એમ(PM)

printer

નર્મદાના પોઈચા નીલકંઠધામ ખાતે 5 દિવસીય શ્રાવણોત્સવનો પ્રારંભ

નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ નીલકંઠધામ પોઈચા ખાતે આજથી પાંચ દિવસીય ‘શ્રાવણોત્સવ’ મેળાનો પ્રારંભ થયો છે. રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળામાં મહિલા સખી મંડળો દ્વારા 15 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા 5 સખી મંડળોને કુલ રૂપિયા 29.50 લાખની કેશ ક્રેડિટ લોનના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી 15 સ્ટોલ ઊભા કરાયા 

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ગુજરાત લાઈવલીહૂડ કંપની લિ. અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 26 થી 30 ઓગસ્ટ સુધી ચાલનારા આ શ્રાવણોત્સવમાં અલગ-અલગ જિલ્લાના મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના 15 સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં હાથવણાટની વસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, રાખડીઓ, કટલરી અને ઘર સુશોભનની વિવિધ સામગ્રીઓ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી ગ્રામ્ય બહેનોને સીધું અને વિશાળ બજાર મળી રહેશે.

5 સખી મંડળોને 29.50 લાખની સહાયનું વિતરણ 

મેળાના ઉદ્ઘાટન બાદ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને મહિલાઓ સાથે સીધો સંવાદ કરી તેમના વ્યવસાય વિશે માહિતી મેળવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લાના 5 સખી મંડળોને તેમના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા અને નવી આવકના સ્ત્રોત ઊભા કરવા માટે રૂપિયા 29.50 લાખની કેશ ક્રેડિટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા અને ડીઆરડીએ નિયામક પિનાકિનીબેન ભગોરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા મંત્રીની અપીલ 

આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. પોઈચા જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળે આવા સ્ટોલથી બહેનોના ઉત્પાદનોને મોટું માર્કેટ મળશે અને તેઓ આત્મનિર્ભર બનશે.” તેમણે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને શ્રાવણોત્સવની મુલાકાત લઈ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.