પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરીકરણને કારણે ઊભા થઈ રહેલા પડકારો, વધતી વસ્તી અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા શહેરી સ્થાનિક સંસ્થાઓને સંવેદનશીલ બનાવવા હાકલ કરી છે. તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે પણ સમાન પ્રકારના ‘ચિંતન શિબિર’ યોજવાનું સૂચન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય જળ શક્તિ મંત્રાલયના વિભાગીય સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે પાણી બચાવતી ટેક્નોલોજીના વધુ વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો.પાણીના સંરક્ષણમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ લોકોમાં જાગૃતિ વધારવા ‘જલ ઉત્સવ’ને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું.
પાણી સંબંધિત માહિતી એકત્ર કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવા આખા દેશમાં એકસમાન ફોર્મેટ અપનાવવાની ભલામણ કરી હતી.
શ્રી મોદીએ પાણીની અછતના પડકારોનો સામનો કરવા આગોતરા અને સંકલિત આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે શુદ્ધ પાણીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.