ભારત અને બેલ્જિયમે આજે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આમાં સંરક્ષણ સહયોગ પર આશય પત્ર તથા અક્ષય ઊર્જા, સાયબર ગુના સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અને રાજનૈતિક તાલીમના ક્ષેત્રોમાં સમજૂતી કરારનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવર સાથે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને નેતાઓએ પરસ્પર સંબંધોના તમામ પાસાઓ તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વિશ્વ હાલમાં ભારે ઉથલપાથલના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષની સ્થિતિ છે.
શ્રી મોદીએ જણાવ્યું કે ભારત અને બેલ્જિયમના સંબંધો લાંબા ગાળાના છે. તેમણે ઉમેર્યું કે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, બજાર અર્થતંત્ર અને લોકો વચ્ચેનો સંપર્ક બંને દેશોને કુદરતી ભાગીદાર બનાવે છે.
બેલ્જિયમના પ્રધાનમંત્રી બાર્ટ ડી વેવરે પોતાના વક્તવ્યમાં ભારતને સૌથી મોટો લોકશાહી ધરાવતો અને ઝડપથી વિકસતો અર્થતંત્ર ધરાવતો દેશ ગણાવ્યો તથા એક મહત્વપૂર્ણ સહયોગી કહ્યો. તેમણે કહ્યું કે બેલ્જિયમ અને ભારત વિશ્વના સૌથી ખુલ્લા અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા અર્થતંત્રોમાંથી એક છે અને બંને દેશોએ વેપાર અને વૈશ્વિક બજારો સુધીની પહોંચ દ્વારા સમૃદ્ધિ મેળવી છે.
આ પહેલાં, બેલ્જિયમના પ્રધાનમંત્રીએ આજે સવારે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.