સપ્ટેમ્બર 4, 2026 5:13 પી એમ(PM)

printer

NCB ની મોટી કાર્યવાહી: 17.84 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ઉત્તરપૂર્વ ભારતમાં સરહદ પારથી થતી સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવવામાં આવી છે. NCB ના અગરતલા ઝોનલ યુનિટ અને આઈઝોલ ફિલ્ડ ઓફિસે બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને મિઝોરમ અને ત્રિપુરામાંથી કુલ 17.84 કરોડ રૂપિયાની કિંમતની 22.299 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં એક મ્યાનમારના નાગરિક સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

11.41 કરોડના ડ્રગ્સ સાથે મ્યાનમારનો નાગરિક ઝડપાયો 

પ્રાપ્ત માહિતી અનુસાર, મિઝોરમમાં NCB આઈઝોલ ફિલ્ડ ઓફિસે સ્થાનિક સેરછિપ પોલીસ, CID (SB) અને સેરછિપ DSB સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. 2 અને 3 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ભારત-મ્યાનમાર સરહદ નજીક ઝોખાવથર-ચમ્ફઈ સેક્ટરમાં ગુપ્ત બાતમીના આધારે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન લાલપનલિયાના નામના મ્યાનમારના નાગરિકને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 11.41 કરોડ રૂપિયાની કિંમતનું 14.26 કિલો મેથામ્ફેટામાઇન, એક યામાહા મોટરસાયકલ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.

ત્રિપુરામાં ટ્રકમાંથી ડ્રગ્સ પકડાયું: સ્થાનિક 3 લોકોની ધરપકડ 

અન્ય એક ઓપરેશનમાં, ત્રિપુરા ખાતે NCB ના અગરતલા ઝોનલ યુનિટે 3 સપ્ટેમ્બરના રોજ સેપાહીજલા જિલ્લાના બિશ્રામગંજ નજીક એક ટાટા ડમ્પર (ટ્રક) ને અટકાવીને સઘન તપાસ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સહ-ડ્રાઈવરની સીટ નીચે છુપાવેલા એક બેકપેકમાંથી 8.039 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ મળી આવી હતી. આ મામલે ટ્રકમાં સવાર ત્રિપુરાના 3 સ્થાનિક રહેવાસીઓની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે.

નેટવર્ક શોધવા તપાસ તેજ અને નાગરિકોને અપીલ 

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા, તેમની આર્થિક લેવડદેવડ (ફાઇનાન્શિયલ લિંક્સ) અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તેના પ્રાપ્તકર્તાઓને શોધવા માટે NCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ NCB એ નાગરિકોને અપીલ કરી છે કે ડ્રગ્સ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે માહિતી તેમની 24×7 કાર્યરત ટોલ-ફ્રી હેલ્પલાઇન 1933 પર જાણ કરી દેશને નશામુક્ત બનાવવામાં મદદ કરે.