મોરબી જિલ્લાના માળિયા તાલુકાના નાના દહીસરા ગામ નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. દરગાહના દર્શન કરીને પરત ફરી રહેલા એક બાઈક સવાર દંપતીને બેફામ દોડતા ટ્રકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા છે. આ બનાવથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
દરગાહના દર્શન કરી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મોરબીમાં રહેતા રહીમભાઈ ઈશાભાઈ ચિચોડરા અને તેમના પત્ની મેરુનબેન માળિયા તાલુકાના દહીસરા ગામે આવેલી કરપીરની દરગાહ ખાતે દર્શનાર્થે ગયા હતા. દરગાહના દર્શન પૂર્ણ કર્યા બાદ દંપતી પોતાની મોટરસાયકલ પર ડબલ સવારીમાં મોરબી પરત ફરી રહ્યું હતું. તે દરમિયાન નાના દહીસરા ગામ નજીક હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રકના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
ગંભીર ઈજાઓ પહોંચતા પતિ-પત્નીના સ્થળ પર જ મોત
ટ્રકની ટક્કર એટલી ભયંકર હતી કે બાઈક સવાર દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ ગોઝારા અકસ્માતમાં રહીમભાઈ અને તેમના પત્ની મેરુનબેનને માથા અને શરીરના અન્ય ભાગોમાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમયસર તબીબી સારવાર મળે તે પહેલા જ બંનેના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.
મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ
બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. એકસાથે પતિ-પત્નીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે મૃતક રહીમભાઈના ભાઈ અબ્બાસભાઈ ચિચોદરાએ માળિયા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.