સપ્ટેમ્બર 5, 2026 1:17 પી એમ(PM)

printer

નેપાળ પૂર હોનારત: વધુ 3 ભારતીયોનું રેસ્ક્યુ, ભારત દ્વારા 95 ટન રાહત સામગ્રી મોકલાઈ

વિદેશ મંત્રાલયે નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે નવીનતમ માહિતી આપતા જણાવ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 3 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ હોનારતમાં નેપાળનો કુલ મૃત્યુઆંક 1344 પર પહોંચ્યો છે, જ્યારે ભારત દ્વારા પાડોશી ધર્મને નિભાવીને અત્યાર સુધીમાં 95 ટન રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

ભારતીયોનું સુરક્ષિત રેસ્ક્યુ અને ગુમ થયેલા લોકોની સ્થિતિ 

ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, નેપાળના પૂરગ્રસ્ત ત્રિશુલી બજાર વિસ્તારમાંથી 5 વર્ષના એક બાળક સહિત વધુ 3 ભારતીય નાગરિકોને બચાવી લેવાયા છે. આ સફળતા સાથે જ રેસ્ક્યુ કરાયેલા કુલ ભારતીયોની સંખ્યા 169 થઈ ગઈ છે. જોકે, હજુ પણ 275 ભારતીય નાગરિકો ગુમ હોવાની માહિતી મળી છે, જેમની શોધખોળ ચાલુ છે.

ચીનથી 1907 ભારતીયો સુરક્ષિત નેપાળ પહોંચ્યા 

વિદેશ મંત્રાલયે રાહતના સમાચાર આપતા સ્પષ્ટ કર્યું છે કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં હાલ કોઈ ભારતીય પ્રવાસી ફસાયેલા નથી. અગાઉ ચીનમાં રહેલા 1907 ભારતીયો સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ગયા છે. કાઠમંડુમાં આવેલું ભારતીય દૂતાવાસ આ તમામ ભારતીયોને વિશેષ ફ્લાઇટ્સ મારફતે સ્વદેશ પરત ફરવા માટે જરૂરી તમામ સુવિધાઓ અને મદદ પૂરી પાડી રહ્યું છે.

ભારત દ્વારા 95 ટન રાહત સામગ્રીની સહાય 

શ્રી જયસ્વાલે માહિતી આપી હતી કે, ગયા મહિનાની 26 તારીખે નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ ભારતે તાત્કાલિક ધોરણે 95 ટન જેટલી રાહત સામગ્રી મોકલી છે. ભારત નેપાળ સરકારની જરૂરિયાતો મુજબ મદદ કરવાનું ચાલુ જ રાખશે. આગામી દિવસોમાં નેપાળ સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને ભારત વધુ ફોરેન્સિક કિટ્સ, બેલી બ્રિજ અને અન્ય આવશ્યક સામગ્રી મોકલવાનું આયોજન કરી રહ્યું છે.

નેપાળમાં ભયાનક તારાજી: મૃત્યુઆંક 1344 પર પહોંચ્યો 

હિમાલયી રાષ્ટ્ર નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. બચાવકર્મીઓ દ્વારા વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવતા કુલ મૃત્યુઆંક 1344 થઈ ગયો છે. નેપાળ પોલીસના સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 843 મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે, જેમાં 758 પુખ્ત વયના અને 85 બાળકોનો સમાવેશ થાય છે.