ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) દ્વારા સાયબર ક્રાઈમ સામે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આંતરરાજ્ય સાયબર ક્રાઈમ સિન્ડિકેટને ‘બલ્ક મોડ’ સુવિધાથી સજ્જ કોર્પોરેટ બેંક ખાતાઓ પૂરા પાડતા હતા. પોલીસ તપાસમાં આ બેંક ખાતાઓ દેશભરમાં 1.5 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા હોવાનો મોટો ખુલાસો થયો છે.
આરોપીઓની ઓળખ અને અગાઉની ધરપકડો
પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓની ઓળખ વિસનગરના કમાણા રોડ સ્થિત રામનગર સોસાયટીમાં રહેતા પાર્થ બારોટ અને આશાપુરી માતા મંદિર પાસે (દીપડા દરવાજા) રહેતા રમેશકુમાર લવાણા તરીકે થઈ છે. CCoE ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં અગાઉ 6 અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ બંને આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન જપ્ત કરાયા છે, જ્યારે નેટવર્કમાં સામેલ અન્ય સાગરીતોને પકડવા માટે તપાસ હજુ ચાલુ છે.
કમિશનની લાલચ આપી ‘બલ્ક મોડ’ એકાઉન્ટ મેળવતા
તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ સામાન્ય નાગરિકો અને ખાતાધારકો તેમજ સિન્ડિકેટ વચ્ચે ફેસિલિટેટર્સ (મધ્યસ્થી) તરીકે કામ કરતા હતા. તેઓ કમિશનની લાલચ આપીને ખાતાધારકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચેક-બુક અને ATM કાર્ડના આગળ-પાછળના ફોટા તેમજ ઇન્ટરનેટ બેંકિંગના ID-પાસવર્ડ મેળવી લેતા હતા. સાયબર સિન્ડિકેટ દ્વારા ખાસ કરીને ‘બલ્ક મોડ’ સુવિધા ધરાવતા કોર્પોરેટ કે ચાલુ ખાતાઓની જ માંગ કરવામાં આવતી હતી, કારણ કે તેમાં એકસાથે બહુવિધ વ્યવહારો કે પેમેન્ટ સરળતાથી કરી શકાય છે.
OTP ટાળવા મોબાઈલમાં APK ફાઈલ ઈન્સ્ટોલ કરાવતા
આરોપીઓ માત્ર વિગતો મેળવીને અટકતા ન હતા, પરંતુ ઇન્ટરનેટ બેંકિંગ ક્રેડેન્શિયલ્સ સાચા છે કે કેમ તેની ચકાસણી પણ કરતા હતા. ત્યારબાદ આ માહિતી સિન્ડિકેટને પહોંચાડવામાં આવતી હતી. આર્થિક વ્યવહારો કરતી વખતે વન-ટાઇમ પાસવર્ડ (OTP) મેળવવાની ઝંઝટ ન રહે તે માટે, આરોપીઓ ખાતાધારકોને તેમના ડિવાઇસ પર અજાણી APK ફાઇલો ઇન્સ્ટોલ કરવા માટે પણ સમજાવતા હતા, જેથી સિન્ડિકેટ સીધો જ ખાતાનો કંટ્રોલ મેળવી શકે.
1.5 કરોડની છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટના 2 કેસ ઉકેલાયા
પોલીસે રિકવર કરેલા બેંક ખાતાઓની વિગતો ‘1930’ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અને સમન્વય પોર્ટલ પર ચકાસતા આશરે 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો સામે આવી છે. તપાસકર્તાઓને ભારતભરમાં આ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા 22 એક્નોલેજમેન્ટ નંબરો મળ્યા છે, જેમાંથી 6 કેસ માત્ર ગુજરાતના છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં નોંધાયેલા ‘ડિજિટલ અરેસ્ટ’ ના 2 ગંભીર કેસોના તાર પણ આ જ ખાતાઓ સાથે જોડાયેલા હોવાનું ખૂલ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 317(2), 318(4) અને IT એક્ટની કલમ 66(C) તથા 66(D) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.