ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણનું જતન થાય અને પરંપરાગત કળાને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા વડોદરા ખાતે ‘માટી મૂર્તિ મેળો-2026’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક અને ઇકો-ફ્રેન્ડલી માટીની ગણેશ મૂર્તિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
સયાજીગંજમાં 79 સ્ટોલ ઊભા કરાયા, મૂર્તિઓની કિંમત 351 થી 5000 સુધી
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં હોટલ સૂર્યા પેલેસ સામે આવેલા પારસી અગિયારી મેદાનમાં આ મેળો યોજાયો છે. જેમાં કુલ 79 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મહિલા કારીગરોએ પરંપરાગત વસ્ત્રો, પથ્થર અને કુદરતી સામગ્રીથી સજાવેલી માટીની ગણેશ મૂર્તિઓ બનાવી છે, જેને તૈયાર કરતા એક કારીગરને અંદાજે 2 દિવસનો સમય લાગે છે. મેળામાં આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની કિંમત 351 થી લઈને 5000 રૂપિયા સુધી રાખવામાં આવી છે.
કારીગરોને આર્થિક સહાય અને મફત સ્ટોલની સુવિધા
રાજ્ય સરકાર દ્વારા લુપ્ત થતી માટીકામ કળાને જીવંત રાખવા અને રોજગારી પૂરી પાડવા માટે કારીગરોને વિશેષ સહાય અપાઈ રહી છે. આ યોજના હેઠળ કારીગરોને માટીની ખરીદી પર 50 ટકા સબસિડી અને મેળામાં નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવ્યા છે. તદુપરાંત, મેળાના 7 દિવસ દરમિયાન કારીગરોને દૈનિક 1000 રૂપિયા લેખે કુલ 7000 રૂપિયાની આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે.
મૂર્તિઓનું ધૂમ વેચાણ અને વિદ્યાર્થીઓ માટે લાઇવ ડેમોન્સ્ટ્રેશન
આ મેળાને શહેરીજનો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષે મેળામાં આશરે 50 લાખ રૂપિયાની માટીની મૂર્તિઓનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષે મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 1.80 લાખ રૂપિયાનું વેચાણ નોંધાયું છે. માટીકામની આ પરંપરાગત કળા નવી પેઢી સુધી પહોંચે તે માટે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ રખાયું છે. અત્યાર સુધીમાં 7500 જેટલા બાળકોને મૂર્તિ બનાવવાની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન કરાવાયું છે.