ઓગસ્ટ 27, 2026 1:38 પી એમ(PM)

printer

મરચાં માટે પ્રખ્યાત શેરથા ગામની નવી ઓળખ: સખી મંડળની બહેનો રાખડી બનાવી બની આત્મનિર્ભર

ગાંધીનગરથી 20 કિલોમીટર દૂર આવેલું શેરથા ગામ અત્યાર સુધી તેના પ્રખ્યાત મરચાંના સ્વાદ માટે જાણીતું હતું, પરંતુ હવે આ ગામની મહિલાઓ પોતાની એક નવી ઓળખ ઊભી કરી રહી છે. સખી મંડળના નેજા હેઠળ ગામની બહેનો આકર્ષક રાખડીઓ તેમજ અન્ય ચીજવસ્તુઓ બનાવીને ઘરબેઠાં જ આર્થિક સ્વાવલંબન તરફ મક્કમ ડગ માંડી રહી છે.

66 વર્ષીય કમળાબહેન બન્યા પરિવાર માટે પ્રેરણારૂપ 

ગામના ચબૂતરાવાળા વાસની શેરીમાં રહેતા અને 66 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા કમળાબહેન વાઘેલા ઊનની દોરીમાં રંગબેરંગી મોતી પરોવીને સુંદર રાખડીઓ બનાવે છે. આ ઉંમરે પણ તેમનો પરિશ્રમ પરિવાર માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. તેઓ સ્મિત સાથે ખુશી વ્યક્ત કરતા કહે છે કે, “રાખડી બનાવવી મને ગમે છે અને આ કામમાં મને ખૂબ જ આનંદ આવે છે.” કમળાબહેનની આ મહેનત અને લગન જોઈને ગામની અન્ય મહિલાઓ પણ આર્થિક પ્રવૃત્તિઓ તરફ વળી છે.

ઘરકામ બાદ ફ્રી ટાઈમમાં 3000 રૂપિયા સુધીની કમાણી 

વર્ષ 2018 થી ગજાનંદ મિશન મંગલમ સખી મંડળ સાથે જોડાયેલા પ્રજ્ઞાબહેન જણાવે છે કે, બહેનો માત્ર રાખડી જ નહીં, પરંતુ આગામી ગણેશોત્સવ માટે ગણેશજીની મૂર્તિઓ અને ઘર સુશોભનની વિવિધ ચીજવસ્તુઓ પણ જાતે જ તૈયાર કરે છે. ઘરકામમાંથી સમય કાઢીને ફ્રી ટાઈમમાં કામ કરવાથી મંડળની બહેનો મહિને 2500 થી 3000 રૂપિયાની કમાણી કરે છે. આ વધારાની આવક તેમના બાળકોના ભણતરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. મંડળના અન્ય સભ્યો હેતલબહેન અને નૈનાબહેન પણ એક સૂરે સ્વીકારે છે કે આ પ્રવૃત્તિથી ઘરે બેઠા આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય છે.

સરકારી સહાયથી પુત્રવધૂ ચલાવે છે સફળ કેન્ટીન 

જીવનના છ દાયકાના તડકા-છાયાં જોઈ ચૂકેલા કમળાબહેનની ખુમારી તેમની પુત્રવધૂ રંજનબહેન વાઘેલા માટે પણ મોટી પ્રેરણા છે. રંજનબહેન જણાવે છે કે, “મારા સાસુના સાથ-સહકારથી જ હું મિશન મંગલમ હેઠળ સરકારી સહાય અને તાલીમ પ્રાપ્ત કરી શકી છું. આજે હું ‘જય ગજાનંદ મિશન મંગલમ કેન્ટીન’ સફળતાપૂર્વક ચલાવું છું, જેનાથી મને દર મહિને 20000 રૂપિયાની આવક થાય છે. આ રકમ મારી દીકરીઓના ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થાય છે.”

GLPC ની તાલીમથી આર્થિક સુરક્ષાનો તાંતણો મજબૂત 

ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ હેઠળ કમળાબહેન અને રંજનબહેન જેવી લાખો બહેનોને ખાસ તાલીમ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સખી મંડળની બહેનોની વ્યક્તિગત વાર્ષિક આવક આશરે 36000 રૂપિયા જેટલી થાય છે. શેરથા ગામની આ મહિલાઓની કહાની દર્શાવે છે કે તેઓ માત્ર ઊનના દોરાથી રાખડીઓ જ નથી ગૂંથતી, પરંતુ પોતાની મહેનત થકી પરિવારની આર્થિક સુરક્ષાના તાંતણાને પણ વધુ મજબૂત બનાવી રહી છે.