સપ્ટેમ્બર 3, 2026 3:31 પી એમ(PM)

printer

‘એક રાષ્ટ્ર, એક સમય’ તરફ કદમ: સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2026 કર્યા જાહેર

ભારત સરકારે દેશમાં એક સમાન અને કાયદેસર રીતે માન્ય સમય પ્રણાલી સ્થાપિત કરવા માટે કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2026 ને સૂચિત કર્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી દેશભરમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) ને સામાન્ય, વિશ્વસનીય અને કાનૂની રીતે માન્ય સમય સંદર્ભ તરીકે સ્થાપિત કરવામાં મોટી મદદ મળશે.

સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત અને 180 દિવસમાં અમલ 

ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગયા મહિનાની 27 તારીખે આ નવા નિયમોને સૂચિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 29 તારીખે તેને સરકારના સત્તાવાર ગેઝેટમાં પણ પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે. જોગવાઈઓ અનુસાર, સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી બરાબર 180 દિવસ પછી આ નિયમો સમગ્ર દેશમાં સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવશે.

IST ના સંચાલન માટે એક વ્યાપક માળખું તૈયાર 

આ નવા નિયમો ભારતીય માનક સમય (IST) ના નિર્માણ, જાળવણી, પ્રસાર અને તેના યોગ્ય ઉપયોગ માટે એક વ્યાપક અને કાયદાકીય માળખું પૂરું પાડે છે. અત્યાર સુધી દેશના સત્તાવાર સમય સંદર્ભને કાનૂની પીઠબળ પૂરું પાડતું કોઈ ચોક્કસ માળખું ન હતું, પરંતુ હવે આ નિયમોથી સમયની ચોકસાઈ અને તેની કાનૂની માન્યતા સુનિશ્ચિત થશે.

‘એક રાષ્ટ્ર, એક સમય’ ના વિઝનને મળશે મોટો વેગ 

કેન્દ્ર સરકારની આ પહેલ વડાપ્રધાનના “એક રાષ્ટ્ર, એક સમય” ના વિઝનને સીધું સમર્થન આપે છે. આ નિયમો લાગુ થવાથી એ સુનિશ્ચિત થશે કે દેશભરના તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રો, સંરક્ષણ, બેન્કિંગ, કમ્યુનિકેશન અને વિવિધ ડિજિટલ સિસ્ટમો એક જ સામાન્ય અને અત્યંત વિશ્વસનીય સમય સંદર્ભ સાથે એકસાથે કાર્ય કરે.