ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ આજે યમુના નદીના અવિરત પ્રવાહ સુનિશ્ચિત કરવા કિશાઉ બહુહેતુક બંધ પરિયોજના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. નવી દિલ્હીમાં આ કરાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ પરિયોજના પૂર્ણ થયા બાદ ઇતિહાસનો મહત્વનો અધ્યાય બની જશે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકારે કિશાઉ પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરી છે. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર તેનો અંદાજે 90 ટકા નાણાકીય ખર્ચ ઉઠાવશે. જ્યારે 10 ટકા ખર્ચ રાજ્ય ઉઠાવશે.
શ્રી શાહે કહ્યું, રેખા ગુપ્તા દિલ્હીનાં મુખ્યમંત્રી બન્યા બાદ યમુનાને સ્વચ્છ કરવાં સતત કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પાણી સાથે સંબંધિત આ 10મો વિવાદ છે, જેનો ઉકેલ આવ્યો છે.
આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કિશાઉ બહુહેતુક બંધ પરિયોજનાનો 90 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા અને 10 ટકા ખર્ચ ભાગીદાર રાજ્યો દ્વારા કરાશે તેવો નિર્ણય કરાયો હતો.