સપ્ટેમ્બર 4, 2026 5:47 પી એમ(PM)

printer

જન્માષ્ટમી પર્વ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર

રાજ્યભરમાં જન્માષ્ટમીના પાવન પર્વની અદમ્ય ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે. મધ્ય ગુજરાતના ડાકોર, ઉત્તર ગુજરાતના શામળાજી અને સૌરાષ્ટ્રમાં જગતમંદિર દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને મનાવવા દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભવ્ય દર્શન અને વિશેષ પૂજા-અર્ચના સાથે ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે.

વહેલી સવારે મંગલા આરતી અને ખુલ્લા પડદે દિવ્ય સ્નાન 

શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે વહેલી સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનને દાંતણ અર્પણ કરી, માખણ-મીસરીનો મંગલ ભોગ ધરાવીને મંગલા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8 વાગ્યે, વર્ષમાં માત્ર 2 વાર યોજાતી વિશેષ પરંપરા મુજબ ભગવાન શામળિયાને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ગૌશાળાના 11 લિટર દૂધ, દહીં, ઘી, કેસર અને ગંગાજળ વડે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો દિવ્ય અભિષેક કરાયો હતો.

કેસરી વાઘાનો શણગાર અને સુવર્ણ પાસાથી ચોપાટ 

અભિષેક વિધિ પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ખાસ કેસરી રંગના રેશમી વાઘા, સિલ્કનું પિતાંબર અને સોના-ચાંદીના કિંમતી આભૂષણોથી અત્યંત સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા. બપોરના સમયે ભગવાનને રાજભોગ અર્પણ કર્યા બાદ સોનાના પાસાથી ચોપાટ રમાડવાની વર્ષો જૂની પ્રાચીન પરંપરા નિભાવવામાં આવશે. આ દિવ્ય રૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

ભવ્ય શોભાયાત્રા અને 108 મટકીઓ ફોડવાનો રોમાંચ 

આ પાવન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજી ધામ ખાતે વાજતે-ગાજતે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ વર્ષના મહોત્સવમાં સમગ્ર વિસ્તારમાં 108 જેટલી મટકીઓ ફોડવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને યુવાનો અને કૃષ્ણભક્તોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

મહિલા મંડળોની ભજન રમઝટથી પરિસર કૃષ્ણમય બન્યું 

સમગ્ર મંદિર પરિસરમાં અત્યંત ભક્તિમય માહોલ સર્જાયો છે. પ્રાંતિજના અનવરપુરાથી ખાસ પધારેલા ભોલે મંડળ સહિત વિવિધ વિસ્તારોમાંથી આવેલા મહિલા મંડળોએ ભજનોની રમઝટ બોલાવી હતી. ‘જય શામળિયા’, ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય શ્રીકૃષ્ણ’ ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી ભક્તિના રંગે રંગાઈ ગઈ છે.