ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ – જન્માષ્ટમી નિમિત્તે રાજયભરમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાનના વિવિધ શણગાર સાથેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જામનગરના સાંસદ પૂનમ માડમે ભગવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ખેડા જિલ્લાનાં રણછોડરાયજી મંદિરે પણ જન્માષ્ટમીની ભવ્યતાથી ઉજવણી કરાઈ. જન્માષ્ટમી પર્વ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતી શણગાર આરતી રાજભોગ આરતી સંધ્યા આરતી દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય રણછોડ માખણ ચોર અને જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદ સાથે આખુ વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.
તો અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે મોડી રાત્રે કૃષ્ણ જન્મોત્સવ, ભવ્ય આતશબાજી કરવામાં આવી. મોડી રાત્રે બરોબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.
જન્માષ્ટમી પર્વે પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે પણ અલૌકિક “કૃષ્ણ દર્શન શૃંગાર” કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. અંદાજિત 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને અલંકૃત કરાયા હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી મનોહર નાથજી મહારાજના અખાડા પરિસરમાં આવેલ અખંડ ધૂણીના દર્શન કરી મોટી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો સંતરામપુર જેલમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરાઇ.
બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. શક્તિપીઠ અંબાજી, પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર સહિત ગામડાઓમાં પણ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા કોળી સમાજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ભક્તોએ એનિમેશનના માધ્યમથી કૃષ્ણલીલાના દર્શન કર્યા હતા.
પંચમહાલ જિલ્લામાં ગોધરામાં પણ રણછોડજી મંદિર ખાતે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડના ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.