ઓગસ્ટ 27, 2026 1:32 પી એમ(PM)

printer

જામનગર : પાવર ટ્રાન્સમિશન લાઇન માટે જંત્રીના બદલે હવે બજાર ભાવ મુજબ અપાશે વળતર

જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઈનોથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખેડૂતો દ્વારા ઓછું વળતર મળતું હોવાની ફરિયાદો બાદ, હવે ખેડૂતોને જૂના જંત્રી દરના બદલે જમીનની નવી બજાર કિંમત આધારિત વળતર ચૂકવવામાં આવશે. સરકારના આ નવા નિર્ણયથી ખેડૂતોને અગાઉની સરખામણીમાં 300 થી 600 ગણું વધુ વળતર પ્રાપ્ત થશે.

નવી માર્ગદર્શિકા: બજાર ભાવથી બમણી રકમ ચૂકવાશે 

ખેડૂતો દ્વારા અવારનવાર એવી રજૂઆત કરવામાં આવતી હતી કે ટ્રાન્સમિશન લાઈન માટે અપાતું જંત્રી આધારિત વળતર ખૂબ જ ઓછું છે. ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગત તારીખ 04/07/2026 ના રોજ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવી જોગવાઈ મુજબ, હવે ટાવર ઊભો કરવાના વિસ્તાર ઉપરાંત 1 મીટર વધારાની જમીન ગણીને, તે કુલ જમીન માટે પ્રવર્તમાન બજાર ભાવથી 2 ગણી રકમ ખેડૂતને વળતર પેટે ચૂકવવામાં આવશે.

કાનવીરડી ગામના ખેડૂતો માટે માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ 

જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને આ નવી પારદર્શક નીતિનો સત્વરે લાભ મળે તે હેતુથી ગઈ 24 ઓગસ્ટના રોજ કલેક્ટર કચેરી ખાતે માર્કેટ રેટ કમિટીની એક વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં લાલપુર તાલુકાના કાનવીરડી ગામના અલગ-અલગ સર્વે નંબરો માટે લોટરી સિસ્ટમથી યોગ્ય બજાર કિંમત નક્કી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સરકાર, ખેડૂત અને ટ્રાન્સમિશન કંપનીના વેલ્યુઅર દ્વારા રજૂ કરાયેલા વેલ્યુએશનને ધ્યાને લેવામાં આવ્યું હતું.

ખેડૂતના વળતરમાં રૂ. 4 લાખથી રૂ. 24 લાખ સુધીનો તોતિંગ વધારો 

આ નવી પદ્ધતિના અમલથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે, કાનવીરડી ગામના સર્વે નંબર 109 માં વર્ષ 2011 ની જંત્રી મુજબ પ્રતિ ચોરસ મીટરના માત્ર રૂ. 43 નો ભાવ હતો, જેના આધારે ખાતેદારને રૂ. 4,37,699 નું વળતર મળવાપાત્ર થતું હતું. પરંતુ હવે કમિટી દ્વારા પ્રતિ ચોરસ મીટરના રૂ. 885 મંજૂર કરવામાં આવતા, તે જ ખાતેદારને બજાર ભાવ મુજબ રૂ. 24,33,348 નું માતબર વળતર ચૂકવવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્રની પારદર્શક કામગીરી 

ખેડૂતોને ઝડપી અને યોગ્ય ન્યાય આપવા યોજાયેલી આ બેઠકમાં જામનગર કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તેમજ ખેડૂતો અને ટ્રાન્સમિશન કંપનીના અધિકૃત પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં જિલ્લાના અન્ય અસરગ્રસ્ત ગામોમાં પણ આ જ ધોરણે વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે, જેથી ખેડૂતોમાં વ્યાપક સંતોષની લાગણી જોવા મળી રહી છે.