જામનગરના લાલપુર બાયપાસ નજીક ચંગાના પાટીયા પાસે ગતિની મજા સજામાં ફેરવાઈ છે. થાર અને કિયા કાર વચ્ચે ચાલી રહેલી રેસમાં કિયા કારે કાબૂ ગુમાવી ડિવાઈડર કૂદીને એક રિક્ષા અને બાઈકને અડફેટે લેતાં ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
થાર અને કિયા કારની રેસ બની કાળમુખી
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર લાલપુર બાયપાસ રોડ પર થાર અને કિયા કારના ચાલકો વચ્ચે કોણ આગળ નીકળે તેની હોડ જામી હતી. બંને વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યા હતા. દરમિયાન ચંગાના પાટીયા નજીક પહોંચતા જ કિયા કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેફામ ઝડપે દોડતી આ કાર રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને તેને કૂદીને સામેના ટ્રેક પર ધસી ગઈ હતી.
દર્શન કરીને પરત ફરતા પરિવાર પર કાળ ત્રાટક્યો
એ જ સમયે સામેના રોડ પરથી એક પરિવાર ધોળેશ્વર મહાદેવના દર્શન કરીને રિક્ષામાં પરત ફરી રહ્યો હતો. ડિવાઈડર કૂદીને આવેલી કિયા કારે સીધી જ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાની પાછળ આવી રહેલા મોટરસાયકલ પર સવાર બે યુવકો પણ આ અકસ્માતની ચપેટમાં આવી ગયા હતા.
3 લોકોના કમકમાટીભર્યા મોત અને પરિવારમાં આક્રોશ
આ ભયાનક ત્રિપલ અકસ્માતમાં રિક્ષા અને બાઈક સવાર મળી કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છવાયો હતો. મૃતકના ભત્રીજા મહેશભાઈ બારોટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “રોડ પર બેફામ ઝડપે દોડતી કારોની રેસના કારણે અમારા પરિવારના સ્વજનોનો ભોગ લેવાયો છે.”
પોલીસ દ્વારા તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના રોડ પર બેફામ ગતિએ વાહનો હંકારનારાઓ માટે લાલબત્તી સમાન છે.