સપ્ટેમ્બર 7, 2026 4:39 પી એમ(PM)

printer

જામનગરના ધ્રોલમાં ભારતમાલા પ્રોજેક્ટ સાઇટ પરથી જનરેટર ચોરનાર 5 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લાના ધ્રોલ-જોડિયા રોડ પર ચાલી રહેલા ભારતમાલા હાઇવેના નિર્માણ કાર્ય દરમિયાન મશીનમાંથી થયેલી લાખો રૂપિયાના જનરેટરની ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. ધ્રોલ પોલીસે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી જનરેટરના પાર્ટ્સ અને વાહનો સહિત કુલ રૂપિયા 7.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રસ્તાના કામના મશીનમાંથી થઈ હતી લાખોની ચોરી 

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ધ્રોલ-જોડિયા રોડ પર આવેલા બલેશ્વર મહાદેવ મંદિર નજીક હાલમાં ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ હેઠળ RCC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે રાખવામાં આવેલા રોડ બનાવવાના મશીનમાંથી કોઈ અજાણ્યા શખ્સો આશરે રૂપિયા 6 લાખની કિંમતનું ભારેખમ જનરેટર ચોરી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

CCTV અને બાતમીના આધારે 5 આરોપીઓ સકંજામાં 

ચોરીની ઘટના નોંધાતા જ ડીવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ ચકાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી. આ સઘન તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે ધ્રોલ સીમ વિસ્તારમાં વોચ ગોઠવીને વાહન ચેકિંગ દરમિયાન 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

જનરેટરના પાર્ટ્સ અને વાહનો મળી 7.41 લાખનો મુદ્દામાલ જપ્ત 

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન પોલીસે તેમની પાસેથી ચોરાયેલા જનરેટરના સ્પેરપાર્ટ્સ, વાયર અને અલગ-અલગ છૂટા પાડેલા ભાગો રિકવર કર્યા છે, જેની કિંમત આશરે રૂપિયા 6 લાખ થવા જાય છે. આ ઉપરાંત, ચોરીના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી એક મોટરસાઇકલ, એક છકડો રિક્ષા અને લોખંડના વિવિધ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 7,41,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈ 

હાલ ધ્રોલ પોલીસે પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.