સપ્ટેમ્બર 2, 2026 2:36 પી એમ(PM)

printer

જામનગરના 2 શિશુઓને મળ્યો માતા-પિતાનો પ્રેમ: રાજસ્થાનના દંપતીએ લીધા દત્તક

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી. બી. પંડ્યાના હસ્તે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલા 2 શિશુઓને દત્તક વિધાન થકી રાજસ્થાનના દંપતીઓને સોંપવામાં આવ્યા હતા. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ના માધ્યમથી પાર પડેલી આ કાનૂની પ્રક્રિયાથી 2 નિરાધાર બાળકોને માતા-પિતાની હૂંફ મળી છે અને સંતાન સુખથી વંચિત પરિવારો સંપૂર્ણ બન્યા છે.

વહીવટી તંત્ર દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ 

રાજસ્થાનના 2 દંપતીઓએ જામનગરના આ બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવી હતી. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યાના આદેશ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તમામ કાનૂની પ્રક્રિયાઓ ઝીણવટપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. અંતે કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કલેક્ટરના હસ્તે બંને શિશુઓને સત્તાવાર રીતે તેમના નવા વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

3 વર્ષની પ્રતીક્ષાનો અંત, દંપતીઓએ માન્યો આભાર 

બાળકોને દત્તક લેનાર દંપતીઓએ પોતાની ભાવનાત્મક ખુશી વ્યક્ત કરી હતી. એક વાલીએ જણાવ્યું હતું કે, “અમે 3 વર્ષ પહેલાં CARA ના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આજે અમને બાળક નહીં પરંતુ ખુશીઓ મળી છે. દુનિયામાં અનેક નિરાધાર બાળકોને વાલીની જરૂર છે અને અનેક દંપતી સંતાન સુખથી વંચિત છે, ત્યારે આ પ્રક્રિયા બંને માટે આશીર્વાદરૂપ છે.” અન્ય દંપતીએ નોંધણીથી લઈને બાળક મળવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં સતત સહકાર આપવા બદલ સ્થાનિક વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને કસ્તુરબા વિકાસ ગૃહનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ 

બાળકોને સોંપવાના આ લાગણીસભર પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ એમ. રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી, ખાસ દત્તક સંસ્થાના મેનેજર ઉર્વીબેન સીતાપરા સહિત સમિતિના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.