જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત ભાવનગરના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 3 થી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન વિશાળ આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના યુવાનો અગ્નિવીરની અલગ-અલગ કેટેગરી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.
વિવિધ કેટેગરી અને 13 થી વધુ જિલ્લાના ઉમેદવારો માટે તક
આ ભરતી પ્રક્રિયા અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8 પાસ અને 10 પાસ) કેટેગરી માટે હાથ ધરવામાં આવશે. આ રેલીમાં જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ તેમજ દીવના ઉમેદવારોને ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક મળશે.
જિલ્લાવાર ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ
સત્તાવાર શેડ્યૂલ મુજબ, 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર અને 4 સપ્ટેમ્બરે પાટણ, રાજકોટ તથા અમરેલીના ઉમેદવારો માટે પ્રક્રિયા યોજાશે. 5 સપ્ટેમ્બરે બોટાદ, જામનગર અને જૂનાગઢ, જ્યારે 6 સપ્ટેમ્બરે કચ્છ અને ગીર સોમનાથના અગ્નિવીર જનરલ ડ્યુટીના યુવાનો ભાગ લેશે. 7 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા તેમજ ભાવનગર જિલ્લાના (ભાવનગર, ગારીયાધાર, ઘોઘા તાલુકા) ઉમેદવારો અને 8 સપ્ટેમ્બરે જેસર, પાલિતાણા, સિહોર અને પોરબંદરના ઉમેદવારોની ભરતી થશે.
ટેકનિકલ, ટ્રેડ્સમેન અને મેડિકલ તપાસની તારીખો
9 સપ્ટેમ્બરના રોજ મોરબી તથા ભાવનગરના બાકી રહેલા મહુવા, તળાજા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ઉમેદવારો ઉપરાંત અગ્નિવીર ટેકનિકલ કેટેગરીની પ્રક્રિયા હાથ ધરાશે. 10 સપ્ટેમ્બરે ટ્રેડ્સમેન કેટેગરી અને 11 સપ્ટેમ્બરે મેડિકલ તપાસ બાકી હોય તેવા ઉમેદવારોનું શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.
દસ્તાવેજો અને સાવચેતી અંગે સેનાની અપીલ
ઉમેદવારોએ રેલીના સ્થળે તમામ જરૂરી અસલ દસ્તાવેજો (ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ) અને તેની પ્રમાણિત ઝેરોક્સ નકલો સાથે રાખવી ફરજિયાત છે. આર્મી પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આખી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થશે. તેથી, ઉમેદવારોએ નોકરીના નામે કોઈને પણ લાંચ આપવી નહીં અને ગેરમાર્ગે દોરતા એજન્ટોથી ખાસ સાવચેત રહેવું.