ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F17 રોકેટ પર તેના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-05 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
27 કલાકના કાઉન્ટડાઉન પછી, GSLV-F17 રોકેટ, ઉપગ્રહ EOS-05 સાથે, સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી સવારે 2.55 વાગ્યે ઉડાન ભરી. EOS-05 એક અત્યાધુનિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે અને જીઓસિંક્રોનસ ઓર્બિટમાંથી ભારતનો પ્રથમ ઇમેજિંગ ઉપગ્રહ છે. જે દૃશ્યમાન, ઇન્ફ્રારેડ, મલ્ટી-સ્પેક્ટ્રલ અને હાઇપરસ્પેક્ટ્રલ બેન્ડમાં અદ્યતન ઇમેજિંગને સક્ષમ બનાવે છે. આ ઉપગ્રહ કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં રાષ્ટ્રને મદદ કરશે.
ISRO એ જણાવ્યું હતું કે, અત્યાધુનિક ઉપગ્રહને અવકાશ મથક પરથી ઉડાન ભર્યાના લગભગ 18 મિનિટ પછી સબ-જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો હતો.
ISROના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, આ મિશન ભારતની પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને પૃથ્વી નિરીક્ષણ સેવાઓમાં સુધારો કરશે.