ભારત અને સંયુક્ત આરબ અમીરાતે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં સતત સહયોગ અને સંકલન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં બની રહેલી ઘટનાઓ પર વિચાર-વિમર્શ કર્યો. તેમણે ઉર્જા, સંરક્ષણ, ટેકનોલોજી, રોકાણ અને આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર પણ ચર્ચા કરી.
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિએ ભારતની સફળ બ્રિક્સ અધ્યક્ષતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા. શ્રી મોદીએ બ્રિક્સ શિખર સંમેલનમાં ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદની ભાગીદારી અને ભારતની અધ્યક્ષતામાં નક્કર પરિણામો પ્રાપ્ત કરવામાં સંયુક્ત આરબ અમીરાતના સહયોગ અને ભાગીદારીની પ્રશંસા કરી. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને જન્મદિવસની પણ શુભકામનાઓ પાઠવી.