ભારતે અમેરિકા પાસેથી જેવેલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઇલ સિસ્ટમ આધુનિક ટેન્ક વિરોધી ક્ષમતા ધરાવે છે અને તેનો ઉપયોગ સૈનિક દ્વારા ખભા પર રાખીને કરી શકાય છે.
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે વધતા સહકારના ભાગરૂપે બંને દેશો ભારતમાં જેવેલિન મિસાઇલ સિસ્ટમના સંયુક્ત ઉત્પાદનની શક્યતાઓ પર પણ કામ કરી રહ્યા છે. આ પગલું દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાની સાથે સ્વદેશમાં સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપશે.
ભારતમાં અમેરિકાના દૂતાવાસ અને કોન્સ્યુલેટે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ જેવેલિન મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે આ કરાર ભારતીય સેના પ્રત્યે અમેરિકાના સતત સમર્થનને પ્રતિબિંબિત કરે છે. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બનશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.
જેવેલિન જેવી આધુનિક એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમનો સમાવેશ ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો કરશે. આ કરાર ભારત-અમેરિકા વચ્ચે વધતી વ્યૂહાત્મક ભાગીદારી અને સંરક્ષણ ક્ષેત્રે વિસ્તરતા સહયોગનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે.