ઓગસ્ટ 27, 2026 4:06 પી એમ(PM)

printer

આવાસ યોજનાના લાભાર્થીઓ માટે 100% દંડની વ્યાજમાફી : મુદત 31 જાન્યુઆરી 2027 સુધી લંબાવાઈ

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ આવાસ યોજનાઓના બાકી હપ્તા પર 100 ટકા દંડનીય વ્યાજમાફી આપવાની યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા નિર્ણય અનુસાર, હવે બાકી રહેલા લાભાર્થીઓ આગામી 31 જાન્યુઆરી 2027 સુધી આ માફી યોજનાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી હજારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી આર્થિક રાહત મળશે.

પ્રથમ તબક્કામાં 2988 લાભાર્થીઓને મળ્યો 39.51 કરોડની માફીનો લાભ 

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ, આ યોજનાના પ્રથમ તબક્કાને રાજ્યભરમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. વસૂલાત અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ કુલ 22 જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી 2988 લાભાર્થીઓએ પોતાના મકાનની મુદલ રકમ પેટે કુલ રૂ. 10.57 કરોડની ચૂકવણી કરી હતી. મુદલ રકમ જમા કરાવતાની સાથે જ સરકાર દ્વારા આ તમામ લાભાર્થીઓને દંડનીય વ્યાજ પેટે ચડેલી રૂ. 39.51 કરોડની માતબર રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ 2988 લાભાર્થીઓને સ્થળ પર જ લોનમુક્તિ પ્રમાણપત્ર પણ એનાયત કરી દેવાયા હતા.

વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મળશે રાહત 

બોર્ડની ભાડા-ખરીદ પદ્ધતિથી નિર્મિત વિવિધ કેટેગરીના મકાનો માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે EWS (આર્થિક રીતે નબળા વર્ગ), LIG (લોઅર ઇન્કમ ગ્રુપ), MIG (મિડલ ઇન્કમ ગ્રુપ), કોમ્પોઝિટ અને કેશલોન આવાસોના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જે લાભાર્થીઓના જૂના હપ્તા બાકી છે, તેઓ માત્ર મૂળ રકમ (મુદલ) ભરીને તેના પર ચડેલું 100 ટકા પેનલ્ટી વ્યાજ માફ કરાવી શકે છે.

31 જાન્યુઆરી 2027 સુધી મહત્તમ લાભ લેવા બોર્ડની અપીલ 

નાગરિકોના વ્યાપક હિત અને સગવડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ લોકકલ્યાણકારી યોજનાની મુદત લંબાવીને 31 જાન્યુઆરી 2027 કરી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હજુ પણ બાકી રહેલા તમામ સંબંધિત લાભાર્થીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ સમયમર્યાદામાં યોજનાનો મહત્તમ લાભ લે.