હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણ અને વરસાદની સ્થિતિ અંગે આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં 3 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ રહી શકે છે. જોકે, હાલ કોઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.
રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની શક્યતા નહિવત્
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજ્ય પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક રીતે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. જોકે, નાગરિકો અને વહીવટી તંત્ર માટે રાહતની વાત એ છે કે હાલ પૂરતી રાજ્યમાં ક્યાંય પણ ભારે કે અતિભારે વરસાદની કોઈ જ શક્યતા નહિવત્ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે
રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેગાસિટી અમદાવાદના હવામાન અંગે આગાહી કરતા તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, આ બંને શહેરોમાં પણ આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ શહેરો અને આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે.
ચોમાસાની સિઝનમાં હજુ પણ 4% વરસાદની ઘટ
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, 1 જૂનથી લઈને 7 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં પડેલા કુલ વરસાદમાં હજુ પણ 4 ટકાની ઘટ નોંધાઈ રહી છે. હવામાન વિભાગના મતે સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં વરસાદની પેટર્ન સામાન્ય રહેશે. સપ્ટેમ્બરમાં નોંધાનારા આ સામાન્ય વરસાદથી સિઝનની બાકી રહેલી 4 ટકાની ઘટ પૂરી થાય છે કે કેમ, તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.