સપ્ટેમ્બર 4, 2026 5:53 પી એમ(PM)

printer

સ્લમ વિસ્તારના બાળકોને આપ્યું સ્માર્ટ શિક્ષણ: સોનલબેન રાવલને ‘રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2026’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં. 3 ના મદદનીશ શિક્ષિકા સોનલબેન પ્રફુલભાઈ રાવલને તેમની 26 વર્ષની ઉત્કૃષ્ટ અને સમર્પિત શૈક્ષણિક સેવાઓ બદલ ‘ગુજરાત રાજ્યકક્ષા પ્રાથમિક શિક્ષક વિભાગ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2026’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે શ્રમજીવી વિસ્તારની શાળાને ભૌતિક અને શૈક્ષણિક રીતે ‘સ્માર્ટ સ્કૂલ’ માં પરિવર્તિત કરી સમગ્ર ગુજરાતના શિક્ષણ જગત માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

26 વર્ષની શૈક્ષણિક સફર અને ‘સ્લમથી સ્માર્ટ સ્કૂલ’ નો બદલાવ 

સોનલબેને 9 ફેબ્રુઆરી 2000 ના રોજ દસ્ક્રોઈ તાલુકાની ખોડિયાર પ્રાથમિક શાળાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 9 વર્ષ સુધી ઓગણજમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અને ત્યારબાદ નિર્ણયનગર તથા થલતેજ શાળા નં. 1 માં પોતાની ફરજ બજાવી તેઓ ઘાટલોડિયા શાળા નં. 3 માં જોડાયા હતા. “પ્રત્યેક બાળક મહત્વનું છે” ની ભાવના સાથે તેમણે અહીં શ્રમજીવી અને સ્લમ વિસ્તારના બાળકો પાછળ અથાગ પરિશ્રમ કરી શાળાનું સમગ્ર શૈક્ષણિક માળખું બદલી નાખ્યું છે.

પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રત્યક્ષ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પર ભાર 

માત્ર વર્ગખંડ પૂરતું જ્ઞાન આપવાને બદલે તેઓ વિદ્યાર્થીઓને બેંક, પોલીસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ફાયર સ્ટેશન અને 108 એમ્બ્યુલન્સ જેવી જગ્યાઓની પ્રત્યક્ષ મુલાકાતે લઈ જાય છે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે તે માટે ISRO અને વિક્રમ સારાભાઈ સેન્ટરની મુલાકાત પણ કરાવી છે. શૈક્ષણિક કાર્યને વધુ રસપ્રદ બનાવવા તેમણે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ના કન્સેપ્ટ હેઠળ જાતે 100 થી વધુ શૈક્ષણિક સાધનો તૈયાર કર્યા છે અને બાળકોને પ્લમ્બર કે માળી જેવા કારીગરોની મુલાકાત કરાવી જીવનકૌશલ્યના પાઠ ભણાવ્યા છે.

સામાજિક જવાબદારી અને મૂલ્યનિષ્ઠ પહેલ 

વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની આદત કેળવાય તે માટે તેઓ બાળકોના જન્મદિવસે મીઠાઈને બદલે બ્રશ અને ઊલિયું ભેટમાં આપે છે. વાલીઓ સાથે સતત સંપર્ક રાખીને તેમણે શાળામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય સુધી લાવવામાં અને 100 % હાજરી સુનિશ્ચિત કરવામાં મોટી સફળતા મેળવી છે. સાથે જ, બાળકદીઠ ભગવદ્ ગીતાનું વિતરણ, શ્લોક પઠન, સરસ્વતી પૂજન અને જીવદયા માટે પક્ષીઓના કૂંડા જેવી પ્રવૃત્તિઓથી બાળકોમાં આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કર્યું છે.

અનેક પારિતોષિકોથી સન્માનિત 

શિક્ષણ ક્ષેત્રે તેમના આ નૂતન પ્રયોગોને ધ્યાનમાં રાખીને તેમને અગાઉ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (2025) અને શિક્ષક પ્રતિભા સન્માન (2025) પણ એનાયત કરાયા છે. પોતાની આ ઐતિહાસિક સફળતા અંગે સોનલબેન નમ્રતાપૂર્વક જણાવે છે કે, “શિક્ષક તરીકેનું આ કાર્ય મારી ફરજનો જ એક ભાગ છે અને આ સફળતા બાળકો, વાલીઓ, આચાર્ય તથા સહકર્મીઓના સાથ વિના શક્ય ન હતી.