મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે રાજ્યના 28 જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 101 નવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને તેમની સાથે સંવાદ કર્યો. આ સાથે જ હવે રાજ્યના તમામ 34 જિલ્લામાં કુલ 394 કેન્દ્ર પરથી શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલે તાપીમાં વાલોડ તાલુકાના બહારી ચાર રસ્તા ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું લોકાર્પણ કર્યું. તેના કારણે જિલ્લાના 24 હજારથી વધુ શ્રમિકોને હવે દરરોજ પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક વિજય પટેલે ડાંગના આહવામાં દત્તનગર ખાતે આ કેન્દ્ર શરૂ કરાવ્યું. તો, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં લક્ષ્મીપુરા ચોકડી પર શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને તલોદ તાલુકામાં ટી. આર. ચોકડી ખાતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કેન્દ્ર શરૂ કરાયું. દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ કચ્છના અંજારમાં દેવળિયા નાકા ખાતે અને ગાંધીધામનાં ધારાસભ્ય માલતી મહેશ્વરીએ સુંદરપુરી પાણીની ટાંકી પાસેના કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો.