રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ ઍન્ટી નાર્કોટિક્સ વિન્ગ એટલે કે, સમર્પિત નશાબંધી વિરોધી શાખા કાર્યરત્ કરાશે. કેફી પદાર્થના દૂષણને નેસ્તનાબૂદ કરવા આગામી સાત દિવસમાં આ તમામ એકમ કાર્યરત્ કરી દેવા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આદેશ આપ્યા. હાલ દરેક જિલ્લામાં સ્થાનિક ગુના શાખા – LCB, SOG અને સ્થાનિક પોલીસ કેફી પદાર્થ સામે કેસ કરે છે. હવે આ કામ નશાબંધી વિરોધી શાખા દ્વારા કરાશે.
આ એકમમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર- હૅડ કૉન્સ્ટેબલ અને ચાર પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ આઠ સક્ષમ અધિકારી અને કર્મચારીઓનું મહેકમ રહેશે. આ ટુકડીને અલાયદા વાહન અને ચાલક પણ ફાળવાશે. જ્યારે જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકની સીધા દેખરેખ હેઠળ આ એકમ કાર્ય કરશે. અમદાવાદ અને સુરત શહેરમાં 2-2, વડોદરા અને રાજકોટ શહેરમાં એક-એક એકમ જોઈન્ટ-એડિશનલ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ કામ કરશે.