ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા જાતીય ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO કેસોમાં ન્યાય પ્રક્રિયા ઐતિહાસિક ઝડપે આગળ વધી રહી છે. તાજેતરમાં કલોલ ખાતે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં જ આરોપીને આજીવન કેદની સજા ફટકારીને કોર્ટે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
5 વર્ષમાં 908 આરોપીઓને આજીવન કેદ અને 16 ને ફાંસી
પોલીસ વિભાગની સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન પદ્ધતિ અને સઘન તપાસ ગુનેગારોને સજા અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. રાજ્યમાં વર્ષ 2022 થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો કોર્ટ દ્વારા કુલ 1,785 કેસોના ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ચાલુ વર્ષ 2026 ના પ્રથમ 8 મહિનામાં જ 346 ચુકાદા આવ્યા છે, જેમાં 241 આરોપીઓને આજીવન કેદ અને 2 ને ફાંસીની સજા અપાઈ છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ 48 પોક્સો કેસમાંથી 35 માં આજીવન કેદની સજા થઈ છે.
દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા માટે કોઈ દયા નહીં: ડે. સીએમ હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કડક કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કરાયું છે. માત્ર 72 કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ તપાસ અને ન્યાયતંત્રના પ્રશંસનીય અભિગમનું પરિણામ છે.
પોલીસનું મોનિટરિંગ: મોટાભાગના કેસમાં 45 દિવસમાં ચાર્જશીટ
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના જણાવ્યા અનુસાર, પોક્સો કેસોમાં પોલીસ દ્વારા ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર કામ કરવામાં આવે છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી રહી છે.