સપ્ટેમ્બર 8, 2026 4:26 પી એમ(PM)

printer

ગુજરાતમાં ગેરકાયદે કોડીન સીરપના વેચાણ પર FDCA ની કાર્યવાહી : 83 લાખનો જથ્થો સીઝ

ગુજરાતમાં નશા માટે દુરુપયોગ થતા કોડીનયુક્ત સીરપના ગેરકાયદેસર વેચાણને અટકાવવા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત અધિકારીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં સપાટો બોલાવી 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના કોડીન-આધારિત સીરપ પર પ્રતિબંધ મૂક્યો છે અને કાયદાનું ઉલ્લંઘન કરતી વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે.

બાલાજી ફાર્મામાંથી 83 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો 

ગત સપ્તાહે શરૂ થયેલી આ તપાસમાં જથ્થાબંધ અને છૂટક દવાના વેપારીઓના ખરીદ-વેચાણના રેકોર્ડ અને બિલ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર વિસ્તારમાં આવેલી બાલાજી ફાર્મા ખાતેથી Rexton-T સીરપની 37,762 બોટલો મળી આવી હતી. 220 રૂપિયાની MRP ધરાવતી આ બોટલોનો કુલ જથ્થો 83,07,640 રૂપિયાનો હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા આ જથ્થાના વધુ વેચાણ કે ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકીને નિયત પ્રક્રિયા મુજબ લેબ ટેસ્ટિંગ માટે નમૂના લેવામાં આવ્યા છે. આ કંપની મુખ્યત્વે કોડીન ધરાવતી દવાઓનો જ વેપાર કરતી હોવાથી તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

7 કંપનીઓને કારણદર્શક નોટિસ, 1 નું લાયસન્સ રદ 

ગાંધીનગરના કલોલ સ્થિત હેલ્થ પોઈન્ટ ફાર્માને 31 ઓગસ્ટના રોજ અપાયેલી નોટિસનો ખુલાસો અસંતોષકારક જણાતા તેનું દવા વેચાણ લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ, અમદાવાદના જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ ખાતેથી 158 રૂપિયાની MRP વાળી R Tuss TD સીરપની 57 બોટલ મળી આવતા 9,006 રૂપિયાના આ જથ્થાનું વેચાણ અટકાવી દેવાયું છે. એકંદરે અનિયમિતતાઓ બદલ ફાર્માલાઇન લાઇફસાયન્સ (ચાંગોદર), રેઈન રેમેડીઝ (સાંતેજ), કેપિટલ ફાર્મા (વિસનગર), HRDM ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ) અને ક્રિષ્ના ફાર્મા (કઠવાડા) સહિત કુલ 7 કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

‘ઝીરો-ટોલરન્સ’ નીતિ સાથે સઘન કાર્યવાહી ચાલુ રહેશે 

આ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “સત્તાવાળાઓ કોડીન ધરાવતી દવાઓના ગેરકાયદે સંગ્રહ અને અનધિકૃત વેચાણ પ્રત્યે ઝીરો-ટોલરન્સ નીતિ અનુસરી રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન પર અને કાનૂની માધ્યમો દ્વારા જ થાય તે સુનિશ્ચિત કરવા સમગ્ર ગુજરાતમાં દેખરેખ ચાલુ રહેશે.” આગામી દિવસોમાં આ મામલે બીલો અને દસ્તાવેજોની વધુ ચકાસણી કરવામાં આવશે.