રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે અપાયેલી મુદતમાં 15 દિવસનો વધારો કરાયો છે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતો, ધારાસભ્યો અને સંસદસભ્યો સહિતના આગેવાનોની રજૂઆતને ધ્યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે ઉત્પાદકોને સમયસર સાધનો પહોંચાડવા પણ અપીલ કરી. આ વર્ષે મુખ્યમંત્રી યાંત્રિકરણ યોજના હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો માટે 750 કરોડ રૂપિયાથી વધુની રકમની જોગવાઈ કરી છે.
આ અંગે કૃષિમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો સમાન લાભ મળે તે હેતુથી ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર અરજીઓ મગાવીને પાત્રતા ધરાવતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં કૃષિ ઓજારો અને સાધનોની ખરીદી કરવા માટે મંજૂરી અપાઈ હતી.
એક સાથે અનેક ખેડૂતોની અરજીઓ મંજૂર થતાં ઓજારો અને સાધનોના ઉત્પાદકો ખેડૂતોને નિયત સમયમર્યાદામાં સાધનો પહોંચાડી શકે તેમ ન હોવાથી વિવિધ ખેડૂતો, ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ અન્ય આગેવાનો તરફથી સરકારને ખરીદીની સમયમર્યાદા વધારવા અંગે રજૂઆત મળી હતી. આ વ્યાવહારિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને મંજૂરી મેળવેલા પાત્ર ખેડૂતો માટે ખરીદીની મુદતમાં વધુ 15 દિવસનો વધારો કર્યો છે, જેથી હવે ખેડૂતોએ તેમને ખરીદી માટે અપાયેલી છેલ્લી તારીખ પછીના આગામી 15 દિવસ સુધીમાં આ કૃષિ સાધનોની ખરીદી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાનને ઝીલીને આપણા રાજ્યમાં પણ અનેક ઉત્પાદકો સ્વયં આત્મનિર્ભર બનીને ઉત્કૃષ્ટ કૃષિ ઓજારો બનાવી રહ્યા છે. કૃષિમંત્રીશ્રીએ આ તમામ ઉત્પાદકોને પણ અપીલ કરી છે કે, તેઓ સમયસર ખેડૂતોને આ સાધનો પહોંચાડે, જેથી ખેડૂતો પોતાના ખેતરોમાં સમયસર તેનો ઉપયોગ કરી શકે. આ સાથે કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકારની આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.