ગુજરાત સરકારે ખાનગી શાળા અને કૉલેજોમાં અભ્યાસ કરતા નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC) ના કૅડેટ્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામનાર ખાનગી સંસ્થાઓના કૅડેટ્સને પણ સરકારી કૅડેટ્સ સમાન જ કૅમ્પ ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી પ્રતિભાશાળી કૅડેટ્સ માટે આર્થિક અવરોધ દૂર થશે અને તેમને રાષ્ટ્રીય મંચ પર ચમકવાની સમાન તક મળશે.
અત્યાર સુધી ખાનગી કૅડેટ્સે જાતે ભોગવવો પડતો હતો કૅમ્પનો ખર્ચ
NCC કૅડેટ્સ માટે રિપબ્લિક ડે કન્ટિન્જન્ટ (RDC), થલ સૈનિક કૅમ્પ (TSC), યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP), વાયુ સૈનિક કૅમ્પ (VSC) અને નેવલ સૈનિક કૅમ્પ (NSC) જેવા રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પો ખૂબ મહત્વના હોય છે. આ કૅમ્પોમાં પસંદગી પામવા માટે કૅડેટ્સે અંદાજે 4 થી 5 કઠિન સ્પર્ધાત્મક કૅમ્પોમાંથી પસાર થવું પડે છે. અગાઉ માત્ર સરકારી સંસ્થાઓના કૅડેટ્સને જ કેન્દ્ર સરકારના ધોરણો મુજબ વિવિધ ભથ્થાં મળતા હતા. ખાનગી સંસ્થાના કૅડેટ્સે કૅમ્પનો તમામ ખર્ચ જાતે કે પોતાની સંસ્થાના સહયોગથી ઉઠાવવો પડતો હતો. આર્થિક ભારણના કારણે કેટલાક તેજસ્વી કૅડેટ્સ પણ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા અચકાતા હતા.
કૅમ્પ ભથ્થાનો 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે
આ અસમાનતા દૂર કરવા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગે નવો ઠરાવ પસાર કર્યો છે. નવા નિર્ણય મુજબ, હવે ખાનગી શાળા-કૉલેજના કૅડેટ્સના કૅમ્પ સંબંધિત તમામ ખર્ચ જેવા કે મેસિંગ, ટ્રાવેલિંગ, જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL ચાર્જિસનો 100 ટકા હિસ્સો ગુજરાત સરકાર ભોગવશે. આ ભથ્થાની ચુકવણી ભારત સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતા સત્તાવાર દરો મુજબ જ કરવામાં આવશે.
આર્થિક અડચણ દૂર થતાં સમાન તકનું નિર્માણ
સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર આર્થિક સહાય આપવાનો નથી, પરંતુ દરેક પ્રતિભાશાળી કૅડેટને વિકાસ માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. હવે રાષ્ટ્રીય કક્ષાની તક આર્થિક ક્ષમતા પર નહીં, પરંતુ કૅડેટની પ્રતિભા, ક્ષમતા અને મહેનત પર આધારિત રહેશે.