સપ્ટેમ્બર 3, 2026 4:20 પી એમ(PM)

printer

ગુજરાતના તમામ હેલીપૅડની દર 3 મહિને ફરજિયાત ચકાસણી કરાશે: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

આપત્તિ વ્યવસ્થાપન, મેડિકલ ઈમરજન્સી, રાહત અને બચાવ કામગીરી તેમજ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જેવા VVIP મહાનુભાવોના પ્રવાસ દરમિયાન કટોકટીના સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે તે માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ હયાત હેલીપૅડની ચુસ્ત જાળવણી અને દર 3 મહિને તેનું ફરજિયાત નિરીક્ષણ કરવા માટે સત્તાવાર દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

દર 3 મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ અને તાત્કાલિક મરામત 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને સૂચના આપી છે કે, હવેથી રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર 3 માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે. આ ચકાસણી દરમિયાન જો કોઈ ખામી કે મરામતની જરૂરિયાત જણાશે તો તેને કોઈપણ વિલંબ વિના તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. તમામ હેલીપૅડને હંમેશા ‘ઑપરેશનલ કન્ડીશન’ (ઉપયોગલાયક સ્થિતિ) માં રાખવાની સીધી જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત સમીક્ષા 

આ નવી વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે અધિક્ષક ઈજનેરોને પણ વિશેષ જવાબદારી સોંપાઈ છે. તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ હેલીપૅડની સમયાંતરે સતત સમીક્ષા કરતા રહેશે, જેથી કોઈ પણ સ્તરે બેદરકારી ન રહે અને હેલીપૅડની કાર્યક્ષમતા સતત જળવાઈ રહે.

દબાણો અને અવરોધો તાત્કાલિક દૂર કરવા કડક આદેશ 

હેલીપૅડની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તારની નિયમિત મરામત કરાશે. આ ઉપરાંત, હેલીપૅડ કે તેની આસપાસના વિસ્તારમાં થતા ગેરકાયદે દબાણો, બાંધકામ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા કે અન્ય સરકારી વિભાગો દ્વારા જપ્ત કરીને મૂકવામાં આવેલા બિન-વપરાશી વાહનો જેવા તમામ અવરોધોને તાત્કાલિક અસરથી દૂર કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.