સપ્ટેમ્બર 2, 2026 6:41 પી એમ(PM)

printer

ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયા મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ માટે કમર કસી છે. પ્રવાસીઓ અને દર્શનાર્થીઓની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્યથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના 10 જેટલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતના યાત્રાધામોનો કાયાકલ્પ 

ગાંધીનગરના પ્રસિદ્ધ રૂપાલ સ્થિત શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ માટે 35 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જ્યારે અમદાવાદના બાવળા તાલુકાના કેસરડી ખાતે શ્રી જોધલપીર મંદિરના નવનિર્માણ માટે 21.75 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ મંદિરમાં 100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વીજળીકરણ માટે 2.68 કરોડ તથા સતલાસણાના ઉમરેચા ગામે શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે પાયાની સુવિધાઓ માટે 50 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવાસનને વેગ 

ગીર વિસ્તારમાં પ્રવાસનને નવી ઊંચાઈ આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ હેઠળ 46.91 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરાશે. કચ્છના અંજારમાં ‘ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ માટે 12.98 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. આ સાથે જ, રાજકોટના ગોંડલ ખાતે ઐતિહાસિક અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજી મંદિરના પરિસરના વિકાસ અર્થે 5.06 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના મંદિરો અને પ્રવાસન સ્થળોનો વિકાસ 

નવસારીના વાંસદા ખાતે પ્રસિદ્ધ શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલના સર્વાંગી વિકાસ માટે 5.03 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. વડોદરાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ અને અન્ય સુવિધાઓ માટે 3.31 કરોડ તથા વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિરના રિપેરિંગ અને સમારકામ માટે 18.91 લાખ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

રોજગારીની નવી તકો અને પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધા 

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી આગામી સમયમાં ગુજરાતના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની કાયાપલટ થશે. આ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી દર્શનાર્થીઓને ઉત્કૃષ્ટ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે, સાથોસાથ સ્થાનિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ ખીલવાથી રોજગારીની નવી તકોનું પણ વ્યાપક નિર્માણ થશે. આ પ્રોજેક્ટ્સની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.