સપ્ટેમ્બર 2, 2026 7:38 પી એમ(PM)

printer

ગુજરાત FDCA ની મેગા ડ્રાઇવ : 50 દવા કંપનીઓના લાયસન્સ રદ કર્યા

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઇવના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગંભીર ખામીઓ અને ગેરકાયદેસર કામગીરી બદલ 50 દવા કંપનીઓના વેચાણ લાઇસન્સ રદ કરી દેવાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નકલી દવાઓ અને ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવવા અધિકારીઓને કડક આદેશ આપ્યો છે.

દવા ઉત્પાદકો અને બ્લડ સેન્ટર્સ સામે આકરી કાર્યવાહી 

સચિવાલય ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, FDCA એ 2 દવા ઉત્પાદન એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, 8 દવા કંપનીઓના લાઇસન્સ સસ્પેન્ડ અને 11 દવાઓના ઉત્પાદન લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. લેબ ટેસ્ટિંગમાં હલકી ગુણવત્તાની જણાતાં 20 દવાઓના ઉત્પાદકોને ‘શો-કોઝ નોટિસ’ ફટકારાઈ છે. રાજ્યભરમાં તપાસાયેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરો પૈકી 3 ને બંધ કરવા આદેશ જારી કરાયા છે.

નાર્કોટિક્સ અને નકલી દવાઓનો પર્દાફાશ 

FDCA અને SOG દ્વારા સંયુક્ત રીતે વડોદરાના વાઘોડિયા ખાતેથી ટ્રામાડોલ સહિતનો ગેરકાયદેસર નાર્કોટિક ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ 10’ ગોળીઓના કેસમાં લખનૌથી લઈને અમદાવાદ અને સાણંદ સુધીની સપ્લાય ચેઈન ટ્રેસ કરી 30 સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે, જેમાં 1.75 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સાથે, અમદાવાદના ત્રાગડમાં લાઇસન્સ વિના ચાલતા આંકી હર્બલમાંથી 2.68 લાખના કોસ્મેટિક્સ અને કપડવંજના ધોળીકુઈ ખાતે બાવીશી ડિસ્પેન્સરીમાંથી બાળકોની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપી પાડી 66,400 ની સામગ્રી જપ્ત કરાઈ છે.

ભેળસેળ સામે સપાટો: 42,988 કિલો શંકાસ્પદ ફૂડ પ્રોડક્ટ્સ જપ્ત 

ફૂડ સેફ્ટી ઝુંબેશ હેઠળ 2,238 થી વધુ ફૂડ બિઝનેસ ઓપરેટરોની તપાસ કરી 2,591 નમૂના લેવાયા છે. ઓગસ્ટમાં કુલ 93.47 લાખ રૂપિયાની કિંમતનો 42,988 કિલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કરાયો છે. જેમાં પાટણમાંથી 21,204 કિલો તેલ, સુરતના કામરેજમાંથી 5,157 કિલો ઘી, જામનગરમાંથી 7,138 કિલો દૂધ અને ડીસામાંથી 6,071 કિલો મરચાંના પાવડરનો સમાવેશ થાય છે.

વિભાગ દ્વારા 1,625 જેટલી રેસ્ટોરાં અને ધાબાઓની સ્વચ્છતા પણ ચકાસવામાં આવી છે. જેમાંથી 306 ને સુધારણા નોટિસ અને ગંભીર ક્ષતિઓવાળા 38 એકમો સામે લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દૂધ, ઘી અને તેલ જેવા રોજિંદા વપરાશના ઉત્પાદનોમાં થતી ભેળસેળ અટકાવવા સતત આકસ્મિક ચેકિંગ જારી રહેશે.