રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મહેર યથાવત છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારો માટે ચેતવણી પણ જાહેર કરી છે.
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીના આગામી 7 દિવસો દરમિયાન ગુજરાત વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરી શક્યતા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, આગામી દિવસોમાં શહેરમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને વચ્ચે-વચ્ચે વરસાદના ઝાપટાં પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે: માછીમારોને એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘સ્ટીપ પ્રેશર ગ્રેડિએન્ટ’ સર્જાવાને કારણે મજબૂત પવનો ફૂંકાઈ શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને નોટ્સમાં ગણીએ તો પવનની ગતિ 15 થી 20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. દરિયાની આ તોફાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી 479.2 mm વરસાદ નોંધાયો
રાજ્યના વરસાદી આંકડાઓ વિશે વિગતવાર માહિતી આપતા ડૉ. દાસે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 479.2 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા સુધીમાં 406.1 mm વરસાદ પડવો જોઈએ, જેની સરખામણીમાં આ વર્ષે 18% વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાની આ સારી શરૂઆત ખેડૂતો અને રાજ્યના જળાશયો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ રહી છે.
રાજ્યના હવામાનને અસર કરતી સિસ્ટમ્સ
હાલની વેધર સિસ્ટમ વિશે સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, મોનસૂન ટ્રફ હાલમાં અનૂપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી અને છપરા થઈને પૂર્વમાં નાગાલેન્ડ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, 5.8 કિમીની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સ્વરૂપે સક્રિય છે. જ્યારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર 1.5 કિમી સુધી, સૌરાષ્ટ્ર અને કચ્છ પર 5.8 કિમીની ઊંચાઈએ, તેમજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર પર 4.5 કિમી સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.