ઓગસ્ટ 31, 2026 3:16 પી એમ(PM)

printer

નેપાળના પૂરમાં 25 ગુજરાતીઓ ગુમ: અમદાવાદી દંપતીનો 4 દિવસથી સંપર્ક વિહોણો

તિબેટમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 25 જેટલા ગુજરાતી યાત્રાળુઓ ગુમ હોવાની માહિતી સામે આવી છે. જેમાં મૂળ અમદાવાદના અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા આ દંપતીનો છેલ્લા 4 દિવસથી કોઈ સંપર્ક ન થતાં અમદાવાદના મણિનગરમાં રહેતા તેમના પરિવારજનોની ચિંતામાં ભારે વધારો થયો છે.

21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા 

મણિનગરમાં રહેતા મિહિર પટેલના મોટા ભાઈ ઉત્પલ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈ મિહિર અને તેમની પત્ની કિન્નરી પટેલ 21 ઓગસ્ટના રોજ કૈલાશ માનસરોવરની યાત્રા માટે ન્યૂઝીલેન્ડથી નીકળ્યા હતા. સિંગાપુર પહોંચ્યા ત્યારે તેમની ફોન પર છેલ્લે સામાન્ય વાતચીત થઈ હતી. ત્યારબાદ 21 ઓગસ્ટની રાત્રે જ આ દંપતી કાઠમંડુ પહોંચી ગયું હતું.

25 ઓગસ્ટે 70 લોકોના ગ્રુપ સાથે તિમુરે બોર્ડર જવા રવાના થયા 

પ્રાપ્ત માહિતી અનુસાર, કાઠમંડુથી 25 ઓગસ્ટના રોજ મિહિર અને કિન્નરી પટેલ અન્ય 70 યાત્રાળુઓના ગ્રુપ સાથે તિમુરે બોર્ડર જવા માટે નીકળ્યા હતા. 26 ઓગસ્ટની વહેલી સવારે 4:51 વાગ્યે મિહિર સાથે વોટ્સએપ મેસેજ દ્વારા પરિવારનો અંતિમ સંપર્ક થયો હતો. તે સમયે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇમિગ્રેશન પ્રક્રિયા માટે બોર્ડર તરફ જઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ, જ્યારે નેપાળમાં આ પૂરની ઘટના બની ત્યારે તેમનું 70 લોકોનું આખું ગ્રુપ એકસાથે ચાઈનીઝ ઇમિગ્રેશનની બિલ્ડિંગમાં હાજર હતું. ત્યારબાદથી પરિવારનો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

પ્રસાર માધ્યમોથી ઘટનાની જાણ થતાં પરિવારમાં ગભરાટ 

ઉત્પલ પટેલે જણાવ્યું કે, તેમને આ પૂરની ઘટનાની જાણ 26 ઓગસ્ટે બપોરે પ્રસાર માધ્યમો દ્વારા થઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને પરિવારે તરત જ મિહિર અને કિન્નરીનો ફોન અને અન્ય માધ્યમોથી સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ કોઈ જ સફળતા મળી ન હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યાત્રા આયોજક ટ્રાવેલ્સ એજન્સીની ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલ ટ્રાવેલ્સ એજન્સીએ યાત્રાળુઓના પરિવારોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવીને સમયાંતરે અપડેટ્સ આપવાનું શરૂ કર્યું છે, છતાં 4 દિવસ વિતી જવા છતાં આ દંપતીનો સીધો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરતા બંને પુત્રો પણ ભારે ચિંતિત 

ઉત્પલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મિહિર પટેલ વર્ષ 2001 સુધી તેમની સાથે મણિનગરમાં જ રહેતા હતા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં કાયમી સ્થાયી થયા હતા. મિહિર પટેલને બે સંતાનો છે. તેમનો મોટો પુત્ર 23 વર્ષનો છે જે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે બીજો પુત્ર હાલ ન્યૂઝીલેન્ડમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં બંને બાળકો ન્યૂઝીલેન્ડમાં જ છે અને માતા-પિતાની કોઈ માહિતી ન મળતા તેઓ પણ ભારે ચિંતિત છે. પરિવારજનો ભારત સરકાર અને નેપાળ એમ્બેસી પાસે સત્વરે ભાળ મેળવવા મદદની અપીલ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.