સપ્ટેમ્બર 3, 2026 4:14 પી એમ(PM)

printer

હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના 15 કારીગરોને વર્ષ 2025 ના એવોર્ડ એનાયત કરાશે

ગુજરાત સરકારની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 હેઠળ રાજ્યના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કારીગરોને પ્રોત્સાહિત કરવા વર્ષ 2025 માટેના એવોર્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી કુલ 15 કારીગરોની પસંદગી કરાઈ છે, જેમાં 11 કારીગરોને રાજ્ય કક્ષાના અને 4 કારીગરોને ઝોન વાઇઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ શ્રેણીઓ 

ગાંધીનગર સ્થિત ઉદ્યોગ અને ખાણ વિભાગની યાદી મુજબ, મહિલા અને યુવા કારીગરો સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિગત કારીગરોને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર અપાય છે. રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા ટેક્ષ્ટાઈલ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, લાકડું અને વાંસકામ, મેટલ ક્રાફ્ટ, મહિલા, યુવા કારીગર તેમજ લુપ્ત થતી કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કારીગરોની પસંદગી કરવામાં આવી છે.

ટેક્ષ્ટાઈલ અને ભરતકામમાં ઝળક્યા કારીગરો 

રાજ્ય કક્ષાએ ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે હાથવણાટ ક્રાફટના સ્ટોલ નમૂના માટે કચ્છના સુનીલ દિનેશ મંગરિયાને પ્રથમ અને ડબલ ઇક્કત પટોળા માટે પાટણના સુનીલકુમાર વીરૂપ્રસાદ સોનીને દ્વિતીય પારિતોષિક મળશે. જ્યારે ભરતકામ સેક્ટરમાં એપ્લીકવર્ક ક્રાફટના વોલપીસ માટે બનાસકાંઠાના આનંદબા જેસુભા ચૌહાણને પ્રથમ અને કચ્છી એમ્બ્રોઇડરી માટે કચ્છના પ્રિયા મંગલ સંજોટને દ્વિતીય પારિતોષિક એનાયત કરાશે.

અન્ય કલાઓ અને વિશેષ કેટેગરીના વિજેતાઓ 

મડમીરર વર્ક માટે કચ્છના પુજા નવીનભાઈ ચૌહાણને પ્રથમ અને બીડવર્ક ક્રાફટ માટે ભાવનગરના કોમલબેન મનીષભાઈ દીયોરાને દ્વિતીય એવોર્ડ મળશે. કલમકારી ક્રાફટમાં અમદાવાદના અશોકભાઇ કંચનભાઈ ચિતારાને પ્રથમ અને પેપરમશી ક્રાફટમાં અમદાવાદના મુકેશભાઇ શંકરભાઇ પંડયાને દ્વિતીય પારિતોષિક અપાશે. આ ઉપરાંત મહિલા કેટેગરીમાં મશરૂ વણાટ માટે કચ્છના પુજા શંકર ધોરીયા, યુવા કારીગર કેટેગરીમાં લાકડાની કોતરણી માટે કચ્છના વિજય જેમલ મારવાડા અને લુપ્ત થતી કલા કેટેગરીમાં ટાંગલીયા ક્રાફટ માટે કચ્છના જીતેન્દ્ર મગનભાઇ ધૈયડાની પસંદગી કરાઈ છે.

ચાર ઝોનમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ કારીગરો 

વર્ષ 2025 માટે 4 અલગ-અલગ ઝોનવાઈઝ કેટેગરીમાં પ્રથમ પારિતોષિક માટે વિજેતાઓ જાહેર કરાયા છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠાના ચંદ્રાબેન સગાળાભાઈ ડોહટ (સુફ ભરત), મધ્ય ઝોનમાં અમદાવાદના રોહન જયંતીભાઇ ચિતારા (કલમકારી), કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં કચ્છના અબ્દુલહમીદ આરબ ખત્રી (રોગાન આર્ટ) તેમજ દક્ષિણ ઝોનમાં સુરતના અલકાબેન ચીનુભાઇ પરમાર (આરીભરત) ને સન્માનિત કરવામાં આવશે.