ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ માટે એકદિવસીય ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યશાળામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં પંચાયતી રાજના 70 મહિલા પ્રતિનિધિઓ સહિત કુલ 188 પદાધિકારીઓને ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિકાસના કામો માટે બજેટની કોઈ અછત નથી: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદાધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગામડાંથી લઈને રાજ્યકક્ષા સુધી વિકાસ માટે નાણાં કે બજેટની કોઈ કમી નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો પદાધિકારીઓ પાસે યોગ્ય આયોજન અને દ્રઢ ઈચ્છાશક્તિ હશે તો સરકાર પૂરતું ભંડોળ આપવા કટિબદ્ધ છે. ગામડાઓમાં રસ્તા, શાળાઓ અને પંચાયત ભવન જેવા વિકાસકામો ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટકાઉ હોવા જોઈએ. કોઈ પ્રોજેક્ટમાં ગેરરીતિની તપાસ ચાલતી હોય તો પણ ‘નલ સે જલ’ અને આવાસ યોજના જેવી સામાન્ય નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ અટકવી ન જોઈએ તે જોવાની ફરજ પદાધિકારીઓની છે.
પંચાયતોમાં સકારાત્મક સંવાદની સંસ્કૃતિ વિકસાવવા ભાર
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જનપ્રતિનિધિઓને સતત શીખતા રહેવા સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશની સંસદ અને વિધાનસભાની જેમ હવે જિલ્લા અને તાલુકા પંચાયત સ્તરે પણ સકારાત્મક સંવાદની સંસ્કૃતિ વિકસાવવી જરૂરી છે. લોકશાહીમાં માત્ર અધિકારોની વાત કરવાને બદલે નાગરિકો અને પ્રતિનિધિઓએ પોતાની ફરજો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. તેમણે મુખ્યમંત્રીના પ્રજાવાત્સલ્ય અભિગમની પ્રશંસા કરી ‘પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવી શકાય’ તેવો સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
‘સમૃદ્ધ ગામ’ થકી ‘વિકસિત રાષ્ટ્ર’નો સંકલ્પ
ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે અગાઉ પંચાયતો પાસે ભંડોળ મર્યાદિત હતું, પરંતુ હવે વિકાસલક્ષી યોજનાઓના નાણાં સીધા પંચાયતો અને લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે. તેમણે સ્વચ્છ ભારત મિશન હેઠળ 45 લાખ શૌચાલયો અને ગોબરધન યોજના થકી 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટના નિર્માણની સિદ્ધિ વર્ણવી હતી. તેમજ ‘લખપતિ દીદી’ અને ‘ડ્રોન દીદી’ જેવી યોજનાઓથી મહિલા સશક્તિકરણની દિશામાં થઈ રહેલા કાર્યોની માહિતી આપી હતી.
નિષ્ણાતો દ્વારા કાયદાકીય અને વહીવટી માર્ગદર્શન
વિધાનસભા સચિવાલયના ગ.વા. માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા આયોજિત આ કાર્યશાળામાં વિકેન્દ્રિત આયોજન, 16 મા નાણાપંચ, પંચાયત અધિનિયમની કાયદાકીય જોગવાઈઓ અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ અંગે નિવૃત્ત અધિકારીઓ તથા વિષય નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.